Wed Jul 15 2026

Logo

ચેમ્બુરના ઝાડ તૂટી પડવાના રિપોર્ટ મુંબઈના મેયરને અસ્વીકાર: ઝાડ તૂટવા માટે પ્રશાસન પણ જવાબદાર હોવાનો દાવો

2026-07-15 09:35:00
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના આંતરિક તપાસ અહેવાલમાં ચેમ્બુરમાં ૧૧ વર્ષીય વિદ્યાર્થીનું મૃત્યુના પ્રકરણમાં પીપળાના ઝાડની આજુબાજુ ધરવામાં આવેલા ખોદકામના કામ બાબતે  તેના ગાર્ડન અને રોડ વિભાગને ક્લીનચીટ આપવામાં આવી છે ત્યારે  મેયર રિતુ તાવડેએ પાલિકા પ્રશાસનના આંતરિક તપાસને ‘અસ્વીકાર્ય’ કહીને  નકારી કાઢયો હતો. તો  વિપક્ષના નેતા અને શિવસેના (યુબીટી)નાં નગરસેવિકા કિશોરી પેડણેેકરે પ્રશાસન પર અહેવાલ દ્વારા ‘સત્યને દબાવવા અને લોકોને ગેરમાર્ગે દોરવાનો’ પ્રયાસ કરવામાં આવ્યો હોવાનોે આરોપ મૂકવામાં આવ્યો છે.
 
મેયરે આ રિપોર્ટ બાબતે કહ્યું હતું કે ચેમ્બુર વૃક્ષ ધરાશાયી થવાની જવાબદારી સાઈટ એન્જિનિયર અને ગાર્ડન વિભાગની છે. તેઓએ સામૂહિક રીતે કામ કરવું જોઈતું હતું. છતાં તપાસમાં માત્ર કૉન્ટ્રાક્ટર અને ક્ધસલ્ટન્ટ સામે સાત લાખ રૂપિયાના દંડની ભલામણ કરવામાં આવી છે. શું સાત લાખ રૂપિયા ૧૧ વર્ષના બાળકને ન્યાય અપાવી શકે છે?   બાળકે જીવ ગુમાવ્યો છે. જવાબદારો સામે ફોજદારી કાર્યવાહીની માગણી કરતા મેયરે  કહ્યું હતું કે કૉન્ટ્રાક્ટર અને ક્ધસલ્ટન્ટને નાણાકીય દંડ સાથે છોડી દેવાને બદલે દોષિત માનવહત્યા માટે કેસ થવો જોઈએ. બાળકે પોતાનો જીવ ગુમાવ્યો હોય ત્યારે જવાબદારી ટોકન દંડ સાથે ખતમ થાય નહીં.

વિરોધપક્ષ નેતા કિશોરી પેડણેકરે તપાસ અહેવાલને દુર્ભાગ્યપૂર્ણ અને આક્રોશજનક ગણાવ્યો હતો અને કહ્યું હતું કે શિવસેના (યુબીટી) તેને સ્વીકારશે નહીં.  અહેવાલને નકારી કાઢવો પૂરતો નથી અને મેયર જવાબદારો સામે કડક વલણ અપનાવે તેવી માગણી પણ તેમણે કરી હતી. શાસક ભાજપ અને પાલિકા પ્રશાસન વચ્ચે સંકલનનો અભાવ હોવાનો આક્ષેપ કરતાં પેડણેકરે પાલિકા પર ચૂંટાયેલા પ્રતિનિધિઓને નબળા પાડવાનો અને કડક પગલાં લેવાને બદલે અધિકારીઓને બચાવવા માટે તપાસ અહેવાલોનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો.
 
મુંબઈમાં ૩૦ જૂને ચેમ્બુરમાં વૃક્ષ ધરાશાયી થવાની પાલિકાની તપાસમાં રોડવર્ક કૉન્ટ્રાક્ટર અને સુપરવાઇઝિંગ ક્ધસલ્ટન્ટ પર દોષનો ટોપલો ઢોળવામાં આવ્યો છે, જેમાં ખોદકામ દરમ્યાન થયેલી ભૂલો માટે પાંચ લાખ રૂપિયા અને બે લાખ રૂપિયાના  દંડની ભલામણ કરવામાં આવી છે. તે જ સમયે અહેવાલમાં પાલિકાના ગાર્ડન અને રોડ વિભાગોને દોષી ઠેરવવામાં આવ્યા છે, જેમાં તેમના તરફથી કોઈ પ્રાથમિક ક્ષતિ જોવા મળી નથી. સમિતિએ અવલોકન કર્યું કે કૉન્ટ્રાક્ટર ઝાડના મૂળની આસપાસ ખોદકામ કરતી વખતે પૂરતી સાવચેતી રાખવામાં નિષ્ફળ ગયો હતો. જોકે તે જ સમયગાળા દરમ્યાન સમગ્ર મુંબઈમાં મોટી સંખ્યામાં વૃક્ષો અને ડાળીઓ પડવાના અહેવાલ સહિત કેટલાંક ફાળો આપનારાં પરિબળોને ટાંકીને તેને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવવાનું બંધ કર્યું હતું. કન્સલટન્ટને અપૂરતી દેખરેખ માટે દંડ ફટકારવામાં આવ્યો હતો, જ્યારે પાલિકાના વિભાગોને આ આધાર પર મંજૂરી આપવામાં આવી હતી કે ખોદકામ પહેલાં સાવચેતી સલાહ આપવામાં આવી હતી અને વૃક્ષના મૂળને બચાવવા માટે પગલાં લેવામાં આવ્યાં હતાં.

પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેએ અધિકારીઓને શહેરી વૃક્ષોની સલામતી માટે પ્રમાણભૂત કાર્યપ્રણાલી (એસઓપી) દાખલ કરવા અને વૃક્ષની કાપણીની દેખરેખ માટે વૃક્ષ નિષ્ણાતોની નિયુક્તિ સહિતની ભલામણોને અમલમાં મૂકવા સૂચના આપી છે.