Tue Jul 14 2026

Logo

બંગાળમાં સત્તા પલટા બાદ બોલ્ડ લેખિકા તસલીમા નસરીન કોલકાતામાં વાપસી કરશે!

2026-07-14 17:51:00
Author: Devayat Khatana
Article Image

Taslima Nasreen


ઢાકા/કોલકાતા: બાંગ્લાદેશથી નિર્વાસિત જાણીતી લેખિકા તસલીમા નસરીન આશરે 20 વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર કોલકાતા પરત ફરી રહી છે. સોશિયલ મીડિયા પર આ અપડેટ શેર કરતા તેમણે જણાવ્યું હતું કે તેઓ પહેલી ઓગસ્ટના રોજ રવિન્દ્ર સદનમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપશે. 'સેક્યુલર મિશન' અને 'HRBAF' દ્વારા આયોજિત આ કાર્યક્રમ કટ્ટરપંથ વિરોધી વિષય પર આધારિત છે, જેમાં સાહિત્યકારો અને કવિઓ પણ સહભાગી બનશે. આ જાહેરાત બાદ બંગાળના સાહિત્યિક અને સાંસ્કૃતિક જગતમાં નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

તસલીમા નસરીન માટે કોલકાતા ખૂબ જ લગાવભરેલું  શહેર રહ્યું છે, પરંતુ વર્ષ 2007માં તત્કાલીન લેફ્ટ સરકાર દરમિયાન થયેલા તીવ્ર વિરોધ પ્રદર્શન અને કાયદો-વ્યવસ્થાની સમસ્યાઓને કારણે તેમને શહેર છોડવું પડ્યું હતું. ત્યાર બાદ પણ તેમણે કોલકાતા પરત ફરવાના અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ સુરક્ષાના કારણોસર તેમના કાર્યક્રમો સતત રદ કરવામાં આવતા હતા. હવે, પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બન્યા બાદ તેમના પરત ફરવા માટે અનુકૂળ સંજોગો સર્જાયા છે.

તસલીમા નસરીનના સંઘર્ષની શરૂઆત વર્ષ 1994થી થઈ હતી, જ્યારે તેમના વિવાદાસ્પદ પુસ્તક 'લજ્જા' બાદ બાંગ્લાદેશમાં ઇસ્લામિક કટ્ટરપંથીઓએ તેમના વિરુદ્ધ ફતવો જારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારથી તેઓ સ્વીડન સહિતના દેશોમાં નિર્વાસિત જીવન જીવી રહ્યા છે. 

આયોજકોનું કહેવું છે કે આ આમંત્રણ કટ્ટરવાદ વિરુદ્ધના તેમના લાંબા સંઘર્ષ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા માટેના તેમના યોગદાનને સન્માનિત કરવા માટે આપવામાં આવ્યું છે. ઉસ્માન મલિક નામના વ્યક્તિએ પણ સોશિયલ મીડિયા પર તેમના પરત ફરવાની ખુશી વ્યક્ત કરી છે.

હવે સમગ્ર દેશની નજર 1 ઓગસ્ટ, 2026ના યોજાનાર આ કાર્યક્રમ પર ટકેલી છે. શું આ કાર્યક્રમ કોઈ પણ અવરોધ વગર શાંતિપૂર્ણ રીતે સંપન્ન થશે, તે સૌથી મોટો પ્રશ્ન છે. આ લાંબા સમયગાળા બાદ કોલકાતા તેમની પ્રિય લેખિકાનું કેવી રીતે સ્વાગત કરે છે અને તે સમયે સુરક્ષાની સ્થિતિ કેવી રહે છે, તે જોવું રસપ્રદ બની રહેશે.