ચેન્નાઈ: તાજેતરમાં જ 80માં સ્વતંત્રતા દિવસની ઉજવણી બાદ વંદે માતરમ ગીત ગાવા મુદ્દે વિવાદ સર્જાયો છે, તેની આખા દેશમાં ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન મદ્રાસ હાઇકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. ચેન્નઈમાં સરકારી અને સાર્વજનિક સમારોહમાં પ્રખ્યાત તામિલ ગીત 'તમિલ થાઈ વાઝથુ'ના ગાનના ક્રમ અંગે મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે સ્પષ્ટતા કરી છે કે કેન્દ્ર સરકારના પરિપત્રમાં રાજ્યના ગીતને પાછળના ક્રમે રાખવા અંગે કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી, જેનાથી આ મુદ્દે ચાલી રહેલી ચર્ચાઓ પર નવું વળાંક આવ્યો છે.
આ મામલો ચેન્નઈના અનન્યા રાધાકૃષ્ણ દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) પરથી બહાર આવ્યો છે. અરજદાર દ્વારા જાન્યુઆરીની 28 તારીખના કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પરિપત્રને પડકારવામાં આવ્યો હતો, જેમાં સરકારી કાર્યક્રમોની શરૂઆત 'વંદે માતરમ'થી કરવાનું જણાવાયું હોવાનું કહેવાયું હતું, જ્યારે પરંપરાગત રીતે તમિલનાડુમાં કાર્યક્રમની શરૂઆત તામિલ ગીતથી થાય છે.
કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા વકીલે 9 જુલાઈએ જારી કરાયેલી નવી સૂચનાનો હવાલો આપતા જણાવ્યું હતું કે તેમાં 'વંદે માતરમ' અને રાષ્ટ્રગીત સળંગ ગાવાની વાત છે, જેમાં વંદે માતરમ રાષ્ટ્રગીત પહેલા ગાવાનું રહે છે. કેન્દ્રએ સ્પષ્ટ કર્યું કે આ સૂચનામાં રાજ્યના ગીતો વિશે કોઈ ઉલ્લેખ નથી અને તે તામિલ થાઈ વાઝથુને છેલ્લે ગાવાનું ફરજિયાત કરતી નથી.
મુખ્ય ન્યાયાધીશ સુશરુત અરવિંદ ધર્માધિકારી અને ન્યાયાધીશ જી. અરુલ મુરુગનની બેન્ચે નોંધ્યું હતું કે સ્વાતંત્ર્ય દિવસ પર મદ્રાસ હાઈકોર્ટમાં પણ આ જ ક્રમ અનુસરવામાં આવ્યો હતો, જ્યાં સૌપ્રથમ તામિલ થાઈ વાઝથુ અને ત્યારબાદ વંદે માતરમ તથા રાષ્ટ્રગીત ગાવામાં આવ્યા હતા. તમામ દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટે આ કેસમાં પોતાનો આદેશ અનામત રાખ્યો છે.