Sat Sep 12 2026

Logo

53 વર્ષના અનુરાગ કશ્યપ 20 વર્ષ નાની શુભ્રા શેટ્ટીના પ્રેમમાં કઈ રીતે પડ્યા? જાણો મોટો ખુલાસો

2026-08-18 21:31:00
Author: Mumbai Samachar Team
53 વર્ષના અનુરાગ કશ્યપ 20 વર્ષ નાની શુભ્રા શેટ્ટીના પ્રેમમાં કઈ રીતે પડ્યા? જાણો મોટો ખુલાસો

મુંબઈ: બૉલીવુડના 53 વર્ષીય ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ પોતાની પર્સનલ લાઇફને લઈને ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. અનુરાગ પોતાના કરતાં લગભગ 20 વર્ષ નાની શુભ્રા શેટ્ટીને ડેટ કરી રહ્યા છે. બંને લાંબા સમયથી બેંગલુરુ સ્થિત ઘરમાં લિવ ઇન રિલેશનશીપમાં સાથે રહેતા હોવાની પણ માહિતી મળી છે. એક યુટ્યુબ ચેનલ પર બંનેએ પોતાના સંબંધ વિશે ખુલ્લેઆમ વાત કરી અને તેમના પ્રેમ, ઉંમરના અંતર તથા પરિવારની પ્રતિક્રિયા અંગે અનેક ખુલાસા કર્યા.

શુભ્રા શેટ્ટી અગાઉ અનુરાગ કશ્યપની પ્રોડક્શન કંપની ફેન્ટમ ફિલ્મ્સમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂકી છે. બંનેની પ્રથમ તસવીર 2015માં સામે આવી હતી, જ્યારે 2018ના એક ઇન્ટરવ્યૂમાં અનુરાગે પહેલીવાર તેમના સંબંધને સ્વીકાર્યો હતો. શુભ્રાએ જણાવ્યું કે અનુરાગ સાથે તેમની મુલાકાત કામ દરમિયાન થઈ હતી અને સમય જતાં બંને વચ્ચે સારી મિત્રતા અને બોન્ડિંગ વિકસ્યું હતું.


શુભ્રાએ અનુરાગ સાથેની પહેલી ડેટનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે તેઓ પોતાના સંબંધને મીડિયાથી દૂર રાખવાનો પ્રયાસ કરતા હતા. જોકે, તેનો અર્થ એ નહોતો કે બંને એકસાથે બહાર જતા નહોતા. એક વખત બંને ડેટ પર ગયા હતા ત્યારે એક પત્રકારે તેમને સાથે જોઈ લીધા હતા અને ત્યારબાદ તેમના સંબંધની વાત જાહેર થઈ ગઈ હતી. શુભ્રાએ એ પણ જણાવ્યું કે અનુરાગ તેમના માતા-પિતાને મળી ચૂક્યા છે અને તેમના પરિવાર તરફથી આ સંબંધને સ્વીકારવામાં આવ્યો હતો.

માતા-પિતાની પ્રતિક્રિયા વિશે પૂછવામાં આવતા શુભ્રાએ મજાકિયા અંદાજમાં કહ્યું કે તેમની માતા અનુરાગને ‘બકરો’ કહે છે. તેમની માતાનું માનવું છે કે અનુરાગ તેમની સાથે રહેવા માટે જાણે ‘જોરૂના ગુલામ’ પતિ બની ગયા છે. શુભ્રાએ કહ્યું કે તેમના માતા-પિતાએ સંબંધને લઈને કોઈ દબાણ કર્યું નહોતું અને તેમણે પણ તેમને મનાવવાની કોશિશ કરી નહોતી. તેઓ અનુરાગને મળ્યા અને ત્યાર બાદ સંબંધને સ્વીકાર્યો.

અનુરાગ સાથે પ્રેમ કેવી રીતે થયો તે અંગે શુભ્રાએ કહ્યું કે આ સમય ‘બોમ્બે વેલ્વેટ’ની રિલીઝ પહેલાં અને ફિલ્મના શૂટિંગ બાદનો હતો. તેના જણાવ્યા મુજબ તે સમયે અનુરાગ પોતાની જિંદગીના ખૂબ સારા સમયમાંથી પસાર થઈ રહ્યા હતા. તેઓ ફિટ અને ખુશ હતા, પુસ્તકો વાંચતા અને ફિલ્મો જોતા હતા. આ જ બાબતોને કારણે બંને વચ્ચે સારું બોન્ડિંગ થયું. શુભ્રાએ કહ્યું હતું કે અનુરાગ ઘણીવાર કહે છે કે જો તે તેમને થોડા વર્ષો પહેલાં મળી હોત તો કદાચ તેમને ડેટ ન કરતી, પરંતુ શુભ્રા આ વાત સાથે સહમત નથી. તેમના મતે, તે અનુરાગના જીવનના એક સુંદર સમયગાળામાં તેમને મળી હતી.

ઉંમરના લગભગ 20 વર્ષના અંતર અંગે અનુરાગે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે એક સમયે બંને આ ઉંમરના તફાવતને લઈને લઘુતાગ્રંથિ અનુભવતા હતા અને ખાસ કરીને તેઓ પોતે આ બાબતને લઈને વધુ વિચારતા હતા. અનુરાગે કહ્યું કે તેમણે એક સમય એવો પણ જોયો હતો, જ્યારે તેઓ શુભ્રાને પોતાનાથી દૂર રાખવાનો પ્રયાસ કરતા હતા. જોકે, હવે ઉંમરના તફાવતને લઈને તેમને લોકોની વાતોનો અગાઉ જેટલો સામનો કરવો પડતો નથી. શુભ્રાએ પણ જણાવ્યું કે અનુરાગના ચહેરા પરથી તેમની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.

શુભ્રાની એક વાત સાંભળીને અનુરાગ ભાવુક થઈ ગયા હતા. શુભ્રાએ યાદ કરતાં કહ્યું કે જ્યારે બંને એકબીજાના પ્રેમમાં હતા ત્યારે તેમણે અનુરાગને કહ્યું હતું કે પ્રેમમાં પડવું તેમની બકેટ લિસ્ટમાં હતું અને આ અનુભવ બાદ તેઓ ખુશીથી મરી શકે છે. આ સાંભળીને અનુરાગની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેમણે શુભ્રાને કહ્યું કે તેમને મળ્યા પહેલાં તેમને મૃત્યુનો ડર નહોતો અને કાર અકસ્માત થાય તો પણ ખાસ પરવા નહોતી, પરંતુ શુભ્રાને મળ્યા બાદ પહેલીવાર તેમને જીવનમાં જીવવાનું કારણ મળ્યું અને હવે તેઓ મરવા માંગતા નથી. શુભ્રાએ આ વાતને તેમના સંબંધને જોવાનો સૌથી સુંદર અને પ્રેમાળ દૃષ્ટિકોણ ગણાવ્યો.

અનુરાગ કશ્યપ અગાઉ બે લગ્ન કરી ચૂક્યા છે. તેમની પ્રથમ પત્ની એડિટર આરતી બજાજ હતી અને બંનેના લગ્ન છ વર્ષ બાદ 2009માં સમાપ્ત થયા હતા. આ લગ્નથી તેમને પુત્રી આલિયા કશ્યપ છે, જેમના તાજેતરમાં લગ્ન થયા છે. ત્યાર બાદ અનુરાગે અભિનેત્રી કલ્કી કોચલિન સાથે સંબંધ બાંધ્યો અને બંનેએ 2011માં લગ્ન કર્યા હતા, પરંતુ ચાર વર્ષ બાદ તેમનું લગ્નજીવન પણ સમાપ્ત થયું હતું. 

હવે શુભ્રા શેટ્ટી સાથેના સંબંધને લઈને અનુરાગ ત્રીજા લગ્ન કરશે કે કેમ તે અંગે ચર્ચા થઈ રહી છે, પરંતુ નિર્દેશકે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં તેમનો ત્રીજા લગ્ન કરવાનો કોઈ પ્લાન નથી અને તેઓ પોતાના વર્તમાન સંબંધમાં ખુશ છે.