Wed Sep 09 2026

Logo

પી. ચિદંબરમના "દિમાગી નક્સલ"ના ગૌરવ પર  હર્ષ સંઘવીએ કહ્યું હું જરાય અચંબિત નથી કારણ કે.......

2026-08-18 21:57:04
Author: Devayat Khatana
પી. ચિદંબરમના "દિમાગી નક્સલ"ના ગૌરવ પર  હર્ષ સંઘવીએ કહ્યું હું જરાય અચંબિત નથી કારણ કે.......

અમદાવાદ/નવી દિલ્હી: તાજેતરમાં જ ભારતે તેના 80માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી. 15 મી ઓગષ્ટના દિવસથી બે વિવાદ દેશના રાજનીતિની ચર્ચાના કેન્દ્રમાં છે, એક વિવાદ છે કોંગ્રેસના હેડક્વાર્ટર પર કથિત રીતે વંદે માતરમનું અપમાન અને બીજો લાલ કિલ્લા પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી દિમાગી નક્સલની ટિપ્પણી.  પીએમ મોદીની ટિપ્પણી પર અનેક દિગ્ગજ નેતાઓએ પોતાની જાતને દિમાગી નક્સલ ગણાવીને તેનું ગૌરવ લીધું છે, આ યાદીમાં હવે કોંગ્રેસ વરિષ્ઠ નેતા પી. ચિદંબરમ અને ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ ચર્ચામાં આવ્યા છે. 

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને દેશના પૂર્વ ગૃહ પ્રધાન પી. ચિદંબરમના "દિમાગી નક્સલ" વાળા નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાલ કિલ્લા પરથી સત્તામાં બેઠેલા "દિમાગી નક્સલો"થી સાવધાન રહેવાની વાત કહેવામાં આવી હતી, જેના જવાબમાં પી. ચિદંબરમે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે તેમને "દિમાગી નક્સલ" હોવા પર ગર્વ છે. આ નિવેદન બાદ દેશભરમાં રાજકીય પ્રતિક્રિયાઓ શરૂ થઈ ગઈ છે અને ભાજપના અનેક નેતાઓ આ મામલે કોંગ્રેસ પર પ્રહારો કરી રહ્યા છે.

આ વિવાદ વચ્ચે ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી દ્વારા પી. ચિદંબરમ પર કરવામાં આવેલો પલટવાર ભારે ચર્ચામાં આવ્યો છે. હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તેઓ કોંગ્રેસ નેતાના આ નિવેદનથી જરાય અચંબિત નથી. તેમણે આંકડાઓ રજૂ કરતા સવાલ ઉઠાવ્યો હતો કે યુપીએ (UPA) સરકાર અને ચિદંબરમના ગૃહ પ્રધાન કાળ દરમિયાન દેશમાં નક્સલવાદ કેમ ફૂલ્યો-ફાલ્યો અને 2004 થી 2014 વચ્ચે નક્સલી હિંસામાં હજારો નિર્દોષ નાગરિકો તેમજ સુરક્ષા જવાનોએ કેમ જીવ ગુમાવ્યા.

હર્ષ સંઘવીએ વધુમાં આંકડાકીય વિગતો આપતા જણાવ્યું હતું કે તે સમયગાળા દરમિયાન સુરક્ષા દળોના શસ્ત્રાગારોમાંથી મોટા પ્રમાણમાં હથિયારો લૂંટાયા હતા અને વર્ષ 2013માં સેંકડો જિલ્લાઓ નક્સલી હિંસાની ચપેટમાં આવ્યા હતા. યુપીએ શાસનનો આંતરિક સુરક્ષાનો આખો ઇતિહાસ તેની નિષ્ફળતાઓની સાક્ષી પૂરે છે. આ આક્રમક વલણ અને સચોટ આંકડાઓ દ્વારા વરિષ્ઠ નેતાને ઘેરવાના કારણે રાજકીય વર્તુળોમાં હર્ષ સંઘવીના આ નિવેદનની વ્યાપક ચર્ચા થઈ રહી છે.