Wed Sep 09 2026

Logo

ભાવનગરમાં જુગારધામ પર દરોડાની અફવા બની ઘાતક! પોલીસ પકડથી બચવા જતાં કૂવામાં ખાબકતાં 3 યુવાનોના મોત

2026-08-18 22:11:21
Author: Devayat Khatana
ભાવનગરમાં જુગારધામ પર દરોડાની અફવા બની ઘાતક! પોલીસ પકડથી બચવા જતાં કૂવામાં ખાબકતાં 3 યુવાનોના મોત

પ્રતીકાત્મક તસવીર


ભાવનગર: ગુજરાતમાં શ્રાવણ માસમાં જુગારના બનાવો સતત પોલીસ ચોપડે નોંધાતા રહે છે. પણ આજે ભાવનગર જિલ્લામાં જુગારનો બનાવ મોતમાં પરિણમ્યો હતો, જેને સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે. ભાવનગર તાલુકાના ઉખરલા ગામે રાત્રિના સમયે ચાલતા કથિત જુગારધામ પર પોલીસ દરોડો પાડવા પહોંચી હોવાના અહેવાલથી દોડધામ મચી ગઈ હતી. પોલીસ પકડથી બચવા માટે નાસભાગ કરી રહેલા ત્રણ યુવાનો અંધારામાં નજીકમાં આવેલા કૂવામાં ખાબકતાં ત્રણેયના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

​આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર ઉખરલા ગામે આવેલા બાપુનગર વિસ્તારમાં મોટા શીતળા માતાના મંદિર નજીક મોડી રાત્રે જુગારની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને જોઈને જુગારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. પોલીસથી બચવા માટે ભાગી રહેલા યુવાનો પૈકી ત્રણ શખ્સોને અંધારામાં કૂવો ન દેખાયો નહોતો અને આથી તેઓ સીધા કૂવામાં ખાબક્યા હતા. આ બનાવમાં એરપોર્ટ રોડ, રૂવા ખાતે રહેતા નિલેશભાઈ બીજલભાઈ ડાભી, રાહુલભાઈ પોપટભાઈ ચૌહાણ અને અજીતભાઈ બુધાભાઈ સીધાંનું કૂવામાં ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. 

​બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો અને બચાવ ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયા હતા. સ્થાનિકોની મદદથી હાથ ધરાયેલી કામગીરી બાદ ત્રણેય યુવાનોના મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે દરોડો પાડવા ગઈ ન હોવાનું જણાવ્યું હતું. પરંતુ કોઈએ પોલીસ આવી હોવાની વાતથી ભાગવાની બુમ પાડતા ત્રણેય દોડયા હતા અને કુવામાં ખાબક્યા હોવાનું જાણવા મળ્યું હતું.