Sun Aug 23 2026

Logo

અમેરિકામાં ભારતીય મૂળના લોકો વિરુદ્ધ કાર્યવાહી: ગિટારવાદક પ્રિતેશ વાલિયા અને ગ્રીન કાર્ડ ધારક વાસમસેટ્ટીની અટકાયત

Houston   2026-08-18 21:18:20
Author: Mumbai Samachar Team
Article Image

હ્યુસ્ટન: અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ડિપોર્ટેશન અને ઈમિગ્રેશન નિયમોનું કડક પાલન કરાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેના હેઠળ ભારતીય મૂળના લોકો સામે કાર્યવાહી જોવા મળી રહી છે. ટ્રમ્પ સરકારે ડિપોર્ટેશન (દેશનિકાલ) અને ઈમિગ્રેશન નિયમોનું કડકપણે પાલન કરવા માટે અભિયાન શરૂ કર્યું છે. અમેરિકામાં અલગ અલગ ઈમિગ્રેશન કેસમાં ભારતીય મૂળના ગિટારવાદક પ્રિતેશ વાલિયા અને ગ્રીન કાર્ડ ધરાવતા વેંકટ નરસામમ્બા વાસમસેટ્ટીની અટકાયત કરવામાં આવી હતી.

નવી દિલ્હીમાં જન્મેલા ઝેઝ ગિટારવાદક અને શિક્ષક પ્રિતેશ વાલિયાને આ મહિનાની શરૂઆતમાં લોસ એન્જલસ પરત ફર્યા બાદ યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (આઈસીઈ) દ્વારા અટકાયતમાં લેવાયા અને તેમને આઈસીઈ પ્રોસેસિંગ સેન્ટર મોકલી દેવામાં આવ્યા હતા. આ જાણકારી તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરાયેલા એક લેખિત નિવેદનમાં આપવામાં આવી છે. જોકે, તેમની પાસે કયા વીઝા હતા અને તેમને શા માટે અટકાયતમાં લેવામાં આવ્યા હતા તેની કોઈ તત્કાળ જાણકારી મળી શકી નથી.

વાલિયાએ કહ્યું કે 14 દિવસની કસ્ટડી પછી તેમને બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે શનિવારે એક વીડિયોમાં વધુમાં કહ્યું કે તેમનો ઇમિગ્રેશન કેસ હજુ પણ ચાલી રહ્યો છે. અન્ય એક કેસ વેંકટ નરસામમ્બા વાસમસેટ્ટીનો છે જેઓ 2013થી અમેરિકામાં ગ્રીન કાર્ડ ધારક છે. 

11 ઓગસ્ટના ઉત્તર કેરોલિનામાં એક ચેક-ઈન દરમિયાન તેમની આઈસીઈએ અટકાયત કરી હતી. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ઇમિગ્રેશન જજ દ્ધારા તેમના વિરુદ્ધ સરકારની અગાઉની દેશ નિકાલની કાર્યવાહીને ફગાવી દીધાના કેટલાક મહિનાઓ પછી તેણીની ધરપકડ કરવામાં આવી હતી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વાસમસેટ્ટી 27 વર્ષથી અમેરિકામાં રહે છે અને ઉત્તર કેરોલિનામાં ખાસ જરૂરિયાતો ધરાવતા વિદ્યાર્થીઓ સાથે કામ કરે છે. તે બે બાળકોની માતા છે અને તેના બે પૌત્ર-પૌત્રીઓ છે, જે બધા અમેરિકાના નાગરિક છે. 

વાસમસેટ્ટી 2022માં એક બીમાર માતાપિતાની સંભાળ રાખવા માટે ભારત ગયા હતા અને કોવિડ-19 સહિતની બીમારીને કારણે તેઓ લાંબા સમય સુધી રોકાયા પછી ફેબ્રુઆરી 2023માં અમેરિકા પરત ફર્યા હતા.

તેણીના વકીલે એ આરોપોને ખોટા ગણાવ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમણે પોતાની પરમેનન્ટ રેસીડેન્સી છોડી દીધી છે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ અનુસાર, ગ્રીન કાર્ડધારકો સહિત કાયદેસર કાયમી રહેવાસીઓ, જેઓ 180 દિવસથી વધુ સમય દેશની બહાર વિતાવે છે, તેઓને ફરીથી પ્રવેશ પર વધારાની ચકાસણીનો સામનો કરવો પડી શકે છે જેમાં એ તપાસનો સમાવેશ થાય છે કે શું તેઓએ અમેરિકામાં પોતાનું રેસીડેન્સ યથાવત રાખ્યું છે અને અમેરિકાને તેમનું કાયમી ઘર બનાવવાનો ઇરાદો ધરાવે છે. 

ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી પુરાવા રજૂ કરવાની સમયમર્યાદા પૂરી કરવામાં નિષ્ફળ ગયા પછી ઇમિગ્રેશન જજે 19 મેના રોજ વાસમસેટ્ટી સામેના નિકાલના કેસને ફગાવી દીધો હતો. 13 ઓગસ્ટના રોજ એક ફેડરલ જજે ઇમિગ્રેશન અધિકારીઓને તેણીને કસ્ટડીમાં રાખવા માટેના કાનૂની આધાર જણાવવાનો આદેશ આપ્યો હતો.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના ડેટા અનુસાર, 2022 અને 2025 ની વચ્ચે આઈસીઈ દ્વારા 27,800થી વધુ ભારતીય નાગરિકોની અટકાયત કરવામાં આવી હતી.