Wed Jul 15 2026

Logo

સુરતમાં ક્યા મોટા માથાએ કમિશનરને નાસિરનગરમાં બુલડોઝર ચલાવવા કરેલું ફરમાન ? 'જી સર' હતો કમિશનરનો જવાબ

2026-07-15 11:12:00
Author: Mayur Patel
Article Image

સુરતઃ શહેરના નાસિરનગરમાં 30 મેના રોજ ગેરકાયદે ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જેના પડઘા દિલ્હી સુધી પડ્યા હતા. આ કેસમાં સુરત મનપાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુજલ પ્રજાપતિને સસ્પેન્ડ કરાયા હતા. આ કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. એક મોટા માથાએ કમિશનરને નાસિરનગરમાં બુલડોઝર ચલાવવા ફરમાન કર્યું હતું. કમિશનરે જી સર એવો જવાબ પણ આપ્યો હતો. જેની ચેટ હાલ વાયરલ થઈ છે.

સસ્પેન્ડ થયેલા એન્જિનિયર સુજલ પ્રજાપતિએ હાઈ કોર્ટમાં સોગંદનામું  કરીને નવો ધડાકો કર્યો  કે, આ ડિમોલિશન તેમણે મનસ્વી રીતે નથી કર્યું, પણ મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનના સીધા આદેશથી કર્યું હતું. પુરાવા તરીકે તેમણે કમિશનર સાથેની વોટ્સએપ ચેટ અને વીડિયો કોર્ટમાં રજૂ કર્યા હતા. ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ આ ચેટના સ્ક્રીનશોટ વાયરલ થયા છે.

વોટ્સએપ ચેટમાં શું ખુલાસો થયો? (સમયરેખા મુજબ)
21 મે (પ્લાનિંગની શરૂઆત): કમિશનર એમ. નાગરાજને સવારે 11.01 વાગ્યે સુજલ પ્રજાપતિને એક મોટો મેસેજ ફોરવર્ડ કર્યો હતો. જેમાં વોર્ડ નંબર 7 (સિટી સર્વે નંબર 1267) ના ટીપી રોડ પરનું દબાણ તાત્કાલિક દૂર કરવા સૂચના હતી. સાથે જ કમિશનરે અંગ્રેજીમાં લખ્યું હતું: Complete this ASAP.

બીજો આદેશ: કમિશનરે સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ સાથે મળીને આ કામ ઝડપથી પતાવવા દબાણ કર્યું હતું. એન્જિનિયરે સામે 'જી સર' કહીને સંમતિ આપી હતી.

29 મે (ડિમોલિશનના આગલા દિવસે): કમિશનરે રોડ નકશાની એક પીડીએફ ફાઈલ મોકલીને ઓપરેશન આગળ ધપાવવા લીલી ઝંડી આપી હતી.

30 મે (કામ પૂરું થયા પછી): ડિમોલિશન પૂરું થયા બાદ સાંજે 6:30 વાગ્યે એન્જિનિયરે કામગીરીના વીડિયો કમિશનરને મોકલ્યા અને નીચે લખ્યું "After" (કામ પૂરું થયા પછીની સ્થિતિ). કમિશનરે આ જોઈને સામે "OK" લખીને સંતોષ વ્યક્ત કર્યો હતો.

આ સમગ્ર મામલામાં હવે મુખ્ય તપાસ એ વાતની છે કે, મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનને આ જગ્યાનું દબાણ હટાવવા માટેનો ફોરવર્ડ મેસેજ કોણે મોકલ્યો હતો? એટલે કે, આ ડિમોલિશન પાછળ અસલી પડદા પાછળનો ચહેરો કોણ છે, તેની તપાસ થવી બાકી છે. ટૂંકમાં કહીએ તો એન્જિનિયરનો દાવો છે કે ડિમોલિશનના પ્લાનિંગથી લઈને કામ પૂરું થવા સુધી કમિશનર પળેપળની માહિતી રાખતા હતા અને તેમના કહેવાથી જ આખી કામગીરી થઈ હતી, જેથી એકલા એન્જિનિયર આમાં દોષિત નથી.

હવે આ કેસની આગામી સુનાવણી 20મી જુલાઈએ થશે.