ન્યુયોર્ક: ભારતીય મૂળના જાંબાઝ અને સાહસિક અંતરિક્ષ યાત્રી અનિલ મેનન પોતાની પ્રથમ અવકાશ યાત્રા માટે રવાના થઈ ચૂક્યા છે.તેઓ રશિયાના શક્તિશાળી 'સોયુઝ એમએસ-29' (Soyuz MS-29) સ્પેસક્રાફ્ટ દ્વારા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) તરફ આગળ વધી એક રિસર્ચ વર્ક પૂરું કરીને પરત આવશે. કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ બાદ, અનિલ મેનન સ્પેસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને નવો ઈતિહાસ બનાવ્યો છે.
અવકાશમાં નવો અધ્યાય શરૂ
અવકાશના અનંત આકાશમાં વધુ એક ભારતીય નામ સુવર્ણ અક્ષરે લખાવા જઈ રહ્યું છે. અવકાશમાં ભારતનું નામ રોશન કરનાર ડૉ. અનિલ મેનન મૂળ કેરળના પલક્કડ જિલ્લાના ઓટ્ટાપાલમના છે. મંગળવારની એ ઐતિહાસિક રાતના રોજ કઝાકિસ્તાનના સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક બેકોનુર કોસ્મોડ્રોમ પરથી રાત્રે 8:17 વાગ્યે આ મહાકાય રોકેટે અંતરિક્ષ તરફ કૂચ કરી હતી. મિશનમાં ડૉ. અનિલ મેનનની સાથે રશિયાના દિગ્ગજ એસ્ટ્રોનોટ્સ પ્યોત્ર ડુબ્રોવ અને અન્ના કિકિના પણ જોડાયા છે.એસ્ટ્રોનોટ્સ સ્પેસ સ્ટેશન પર આશરે ૮ મહિના સુધી રહીને અત્યંત જટિલ સાયન્સ પ્રયોગો કરશે અને વર્ષ 2027માં પૃથ્વી પર પરત ફરશે.
જાણો કોણ છે અનિલ મેનન
અનિલ મેનન ઓટ્ટાપાલમના શંકરન મેનન અને યુક્રેનની એલિઝાબેથ સમોયલેનકોના પુત્ર છે. અંતરિક્ષ સુધી પહોંચતા પહેલાં તેમણે ડૉક્ટર, મિકેનિકલ એન્જિનિયર, અમેરિકન સ્પેસ ફોર્સના ફ્લાઇટ સર્જન અને પાઇલટ તરીકે પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. તમામ અનુભવોના આધારે તેમણે નાસાની પ્રતિષ્ઠિત અંતરિક્ષયાત્રીની ટીમમાં સ્થાન મેળવી વિશ્વભરમાં ભારતનું ગૌરવ વધાર્યું. મેનનની પ્રથમ અંતરિક્ષ યાત્રા માત્ર એક મિશન નહીં, પરંતુ લાંબા ગાળાના હ્યુમન સ્પેસ કેમ્પેઇન દરમિયાન ઊભા થતા મેડિકલ ચેલેંજીસ પર મહત્વપૂર્ણ સંશોધન માટે અત્યંત નિર્ણાયક અને પરિણામલક્ષી સાબિત થશે.
વિજ્ઞાન, સંશોધન અને હ્યુમન ફ્યુચર માટે
આ મિશન એક ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે ખાસ કરીને સંશોધનથી લો અર્થ ઓર્બિટ (Low Earth Orbit) થી પણ આગળ જતાં માનવ અંતરિક્ષ મિશનોનું આયોજન વધુ સુરક્ષિત અને અસરકારક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. લૉન્ચિંગ પહેલાં ડૉ. અનિલ મેનન ભાવુક થયા હતા. પોતાના ઇન્સ્ટાગ્રામ પર ઉત્સાહભરી પોસ્ટ શેર કરી હતી. તેમણે લખ્યું કે તેઓ આ મહત્ત્વાકાંક્ષી મિશન માટે સંપૂર્ણ રીતે તૈયાર છું. નાસા, પોતાના પરિવાર, મિત્રો અને દરેક શુભેચ્છકનો સતત મળેલા સાથ, વિશ્વાસ અને પ્રોત્સાહન બદલ હૃદયપૂર્વક આભાર માનું છું. આ સિદ્ધિ પલક્કડ જિલ્લાના લોકો માટે ગર્વની ક્ષણ બની છે. તેમની અંતરિક્ષ યાત્રાએ જિલ્લાની ગૌરવશાળી પરંપરામાં એક વધુ સુવર્ણ અધ્યાય ઉમેર્યો છે.