Wed Jul 15 2026

Logo

કચ્છમાં વાદળિયા માહોલ વચ્ચે હળવાં ઝાપટાં: અષાઢી બીજ પહેલા પલટાયું હવામાન

2026-07-15 12:04:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ  કચ્છમાં અષાઢ માસ દરમિયાન મેઘરાજા મન મૂકીને વરસે તેવી આશા અને ચાતક નજરે જોવાતી રાહ વચ્ચે, અષાઢી બીજ પહેલા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સવારથી જ આકાશમાં વાદળોનો જમાવડો જોવા મળ્યો હતો, જેની હાજરીમાં કેટલાક વિસ્તારોમાં હળવાં ઝરમરિયાં વરસતાં માર્ગો ભીના થયા હતા.

રાત્રિના સમયે ભુજ તાલુકાના પદ્ધર, મમુઆરા, કાળીતલાવડી અને કુકમા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હોવાના અહેવાલ સાંપડ્યા છે. આ ઉપરાંત મિરજાપર અને તેની આસપાસના ગામોમાં પણ હળવાં છાંટા પડ્યા હતા. જિલ્લા મથક ભુજ તેમજ આર્થિક પાટનગર ગાંધીધામમાં પણ અમીછાંટણા થતાં કાળઝાળ ગરમી વચ્ચે જમીન ભીની થતાં વાતાવરણમાં આંશિક ઠંડક પ્રસરી હતી.

બીજી તરફ, છેલ્લા ચારેક દિવસથી જિલ્લામાં ફૂંકાતા તીવ્ર વેગીલા પવનોનો પ્રભાવ હજુ પણ જળવાયેલો રહ્યો છે, જો કે પવનની ગતિ આંશિક ઘટીને ૨૦ થી ૨૫ કિલોમીટર પ્રતિકલાક આસપાસ નોંધાઈ હતી. પવનની ગતિ ધીમી પડતાં ધૂળની ડમરીઓ ઊડવાનું પ્રમાણ એકંદરે ઓછું જોવા મળ્યું હતું. હવામાન વિભાગના આંકડા અનુસાર, જિલ્લામાં મહત્તમ તાપમાન ૩૦ થી ૩૬ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૭ થી ૨૯ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું. હવામાન નિષ્ણાતોના મતે, આ ચાલુ માસના અંત ભાગમાં કચ્છ જિલ્લામાં વરસાદનો એક સારો અને સાર્વત્રિક રાઉન્ડ આવે તેવી શક્યતાઓ બળવત્તર બની રહી છે.

દરમિયાન, ભુજના પ્રમુખસ્વામી નગર અને મુંદરા રોડ રિલોકેશન સાઇટ સહિતના વિસ્તારોમાં માત્ર સામાન્ય છાંટા પડતાંની સાથે જ વીજ પુરવઠો ગુલ થઈ ગયો હતો. રાત્રિના સમયે વીજળી ડૂલ થઈ જતાં હજારો નાગરિકો ભારે પરેશાન થયા હતા. સ્થાનિક રજૂઆતો છતાં અવારનવાર સર્જાતી વીજ વિક્ષેપની આ ગંભીર સમસ્યાથી ક્યારે કાયમી છુટકારો મળશે તેવા વેધક સવાલો આક્રોશિત રહીશો ઉઠાવી રહ્યા છે.

(ઉત્સવ વૈદ્ય)