રાજકોટઃ રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સહિત તમામ આગાહીકારો પર વિજ્ઞાન જાથાના કેસ કરીને જેલના સળિયા પાછળ ધકેલવાની માંગ કરી હતી. જે બાદ અંબાલાલે આગાહી નહીં કરવાની જાહેરાત કરી હતી. કાયદાકીય મૂંઝવણો દૂર થતાં અને કાયદાના નિષ્ણાતોની સલાહ લીધા બાદ તેમણે તેઓ આગાહી કરવાનું ચાલુ રાખશે તેમ કહ્યું હતું. આગાહીકાર અંબાલાલ પટેલને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે રાજકોટના એડવોકેટ જીગ્નેશ લાખાણીએ ખુલ્લેઆમ તેમનું સમર્થન જાહેર કર્યું હતું.
રાજકોટના એડવોકેટ જીગ્નેશ લાખાણીએ જણાવ્યું કે, જો ભવિષ્યમાં અંબાલાલ પટેલ સામે કોઈ કાનૂની કાર્યવાહી અથવા કેસ કરવામાં આવશે તો તેઓ માત્ર 1 રૂપિયાની ટોકન ફીમાં તેમનો કેસ લડવા માટે તૈયાર છે. તેમણે જણાવ્યું કે આ નિર્ણય તેઓ પોતાના સિદ્ધાંતોના આધારે લઈ રહ્યા છે.
અંબાલાલે કેમ આગાહી નહીં કરવાની કરી હતી જાહેરાત
બે દિવસ પહેલા અંબાલાલ પટેલે આગાહી નહીં કરવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. તેમણે કહ્યું હતું કે, વિજ્ઞાન જાથાના આક્ષેપોથી તેઓ ખૂબ દુઃખી થયા છે. તેમના મતે આ આક્ષેપો માત્ર તેમના પર નથી, પણ ભારતની જૂની વૈદિક જ્ઞાન પરંપરા પર પ્રહાર છે. હવે તેમની ઉંમર થઈ ગઈ છે અને તેઓ કોઈ પણ નકારાત્મક વિવાદ કે આક્ષેપબાજીમાં પડવા નથી માંગતા. તેઓ વર્ષોથી કોઈ વૈજ્ઞાનિક સાધનો વિના, પરંપરાગત જ્ઞાનના આધારે વરસાદના સાચા વરતારા આપતા આવ્યા છે અને તેમનો હેતુ હંમેશા લોકકલ્યાણનો રહ્યો છે.
આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, હાલના વિવાદાસ્પદ માહોલને જોતા તેમણે અત્યારે પૂરતી આગાહીઓ બંધ રાખવાનો મક્કમ નિર્ણય કર્યો છે. જો ભવિષ્યમાં પરિસ્થિતિ સારી થશે અને લોકોનો વિશ્વાસ તથા સાથ-સહકાર મળશે, તો જ તેઓ ફરીથી આગાહીઓ શરૂ કરવા વિશે વિચારશે. ત્યાં સુધી તેઓ કોઈ નવી આગાહી કરશે નહીં.
વિજ્ઞાન જાથાએ શું કહ્યું
વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ આગાહીકારો સામે બાંયો ચઢાવી હતી. તેમણે કહ્યું, વર્તમાન સમયના વરતારા બોગસ છે. આ વરતારાના કારણે ખેડૂતો ખોટા નિર્ણયો લેતા હોવાથી તેમના બિયારણ અને પાકને નુકસાન થઈ રહ્યું છે. આગાહીકારો પાસે કોઈપણ પ્રકારના વૈજ્ઞાનિક ઉપકરણો કે પ્રમાણભૂત પદ્ધતિ નથી. આગાહીકારો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી થશે. તેમણે હવામાનના વરતારા કરનારાને જેલના સળિયા પાછળ ધકેલવા માંગ કરી હતી.