Wed Jul 15 2026

Logo

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જન્મદિને વહેલી સવારે સૌથી પહેલાં કોની સામે શિશ ઝૂકાવીને આશિર્વાદ લીધા ?

2026-07-15 13:08:00
Author: Mayur Patel
Article Image

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે  જન્મ દિવસ છે. આજે 64 વર્ષ પૂરા કરીને 65માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. જેમાં તેમના જન્મદિવસના અવસરે ગુજરાતના વડા તરીકેની જવાબદારીઓ વચ્ચે પણ આધ્યાત્મિકતા માટે સમય કાઢ્યો હતો.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જન્મદિને વહેલી સવારે સૌથી પહેલાં  પ્રથમ જ્યોતિર્લિંગ  સોમનાથ મહાદેવના વર્ચ્યુઅલ માધ્યમથી દર્શન કરી મહાપૂજામાં ભાગ લીધો હતો. તેમજ સોમનાથ દાદા સામે શિશ ઝૂકાવીને આર્શિવાદ લીધા હતા.

આ ઉપરાંત અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાન મંદિરમાં દર્શન-અર્ચન કરીને દિવસના કાર્યોનો પ્રારંભ કર્યો હતો. મુખ્યમંત્રીએ ત્રિમંદિર પરિસરમાં પૂજ્ય દાદા ભગવાન, પૂજ્ય નીરૂમાંની સમાધિ પર શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા અને દેવી-દેવતાઓના દર્શન તેમજ શિવ મંદિરમાં જલાભિષેક કર્યો હતો. મુખ્યમંત્રીએ જન્મદિવસ અવસરે રાજ્યના સૌના સ્વાસ્થ્ય, સુખાકારી, સમૃદ્ધિ અને સમગ્ર રાજ્યના સમગ્રતયા અવિરત વિકાસ માટે પ્રાર્થના કરી હતી. તેમજ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું ઉષ્માપૂર્ણ અભિવાદન પણ ઝીલ્યું હતું.

ભૂપેન્દ્ર પટેલનો જન્મ 15 જુલાઈ 1962ના રોજ અમદાવાદમાં થયો હતો. જેમાં તેમને માધ્યમિક શિક્ષણ પૂરૂ કર્યા બાદ સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું હતું. પોલીટીક્સમાં પ્રવેશ પહેલા તેઓ બિલ્ડર હતા. તેમને AMCમાં સ્ટેન્ડિંગ કમિટીની જવાબદારીઓ સંભાળી હતી. પછી વર્ષ 2017માં તેઓ ભાજપની ટિકિટ પરથી ઘાટલોડિયા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. વર્ષ 2021માં વિજય રૂપાણીના રાજીનામા બાદ ભાજપે તેમને ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે વરણી કરી હતી.

પીએમ મોદીએ પણ પાઠવી શુભકામના

PM મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જન્મ દિવસની શુભેચ્ઠા પાઠવી હતી. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેમના જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ. તેઓ ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા અને લોકોની આકાંક્ષાઓ પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવામાં અગ્રેસર છે. હું તેમના દીર્ઘાયુ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.

આ ઉપરાંત રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના અનેક નેતાઓ, કાર્યકરોએ જન્મદિવસની શુભકામના પાઠવી હતી.