Wed Jul 15 2026

Logo

કર્ણાટકની કલબુર્ગી સેન્ટ્રલ જેલમાંથી 3 કેદીઓ ફરાર, એકને પોલીસે ગોળી મારી પકડ્યો

2026-07-15 13:00:00
Author: Vimal Prajapati
Article Image

કલબુર્ગીઃ કર્ણાટકમાં એક ચોંકાવનારી ઘટના ઘટી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. કર્ણાટકની કલબુર્ગી સેન્ટ્રલ જેલમાંથી ત્રણ કેદીઓ ફરાર થઈ ગયાં હોવાનું જાણવા મળ્યું છે. આ ત્રણેય કેદીઓ વહેલી સવારે 4.30 વાગ્યાની આસપાસ જેલમાંથી ભાગી ગયાં હતાં. આ દરમિયાન જે અધિકારીઓ ફરજ પર હતા તેમને આ લાપરવાહી માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. આ કેદીઓ સેન્ટ્રલ જેલમાંથી કેવી રીતે ભાગ્યાં? કઈ યોજના બનાવી હતી અને આ દરમિયાન જેલના કર્મચારીઓ શું કરી રહ્યાં હતા? ચાલો વિગતે આ રિપોર્ટમાં જોઈએ...

કોણ હતા આ ત્રણ કેદીઓ?

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ભાગી જનાર કેદીઓમાં બસવકલ્યાણ તાલુકાના ઈસ્લામપુર ગામના મસ્તાન, ઔરાદ તાલુકાના સંતપુર ગામના સંતોષ બસપ્પા અને બીદર  તાલુકાના બકચૌડી ગામના સાગર ભીમરાયાનો સમાવેશ થાય છે. આ ત્રણેય લોકો અલગ અલગ ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહ્યાં હતાં. પોલીસના જણાવ્યાં પ્રમાણે મસ્તાન અને સંતોષ પોક્સો સહિત અલગ અલગ ગુનામાં આરોપી છે, જ્યારે સાગર ભીમરાયા હત્યાના ગુનામાં આરોપી સાબિત થયેલો છે. આ ત્રણ લોકો વહેલી સવારે જેલમાંથી ફરાર થઈ ગયાં હતાં. 

સંતોષ નામના કેદીની બીદર જિલ્લામાંથી ધરપકડ 

આ ત્રણ ફરાર કેદીઓમાંથી એક સંતોષ નામના કેદીની બીદર જિલ્લામાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. બીદર જિલ્લા પોલીસને આ મામલો જાણ થઈ હતી કે, સંતોષ હુમનાબાદ વિસ્તારમાં છુપાલેયો છે. જેથી પોલીસ તેને પકડવા માટે પહોંચી ત્યારે તેણે પોલીસ પર હુમલો કયો એટલે પોલીસે તેના પગમાં ગોળી મારી અને તેની ધરપકડ કરી લીધી હતી. પોલીસના જણાવ્યાં પ્રમાણે જેલમાંથી ફરાર થયાં બાદ આ ત્રણેય આરોપીએ બસ પકડી અને હુમનાબાદ પહોંચ્યાં હતાં. આ ત્રણમાંથી એકની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ કેદીઓએ કેવી રીતે જેલમાંથી ભાગ્યા?

કલબુર્ગી સેન્ટ્રલ જેલની વાત કરવામાં આવે તો, આ ત્રણેય કેદીએ ફરાર થવા માટે મોટું પ્લાનિંગ કર્યું હતું. બેરકમાં રહેલા બાથરૂમની બારીમાં લાગેલા લોખંડના સળિયાને કાપ્યા અને પછી તેને મરોડી દીધી હતા, પછી તેમાંથી જે જગ્યા થઈ તેમાંથી બહાર નીકળ્યા અને જેલની દીવાલ કૂદીને ફરાર થયાં. આ દીવલ પર ચઢવા માટે તેમણે સીડીનો ઉપયોગ કર્યો હતો. જ્યારે ત્યાંથી બાહર નીચે ઉતરવા માટે ટી-સર્ટ અને રૂમાલનું દોરડું બનાવ્યું હતું, જેના સહારે ત્યાંથી નીચે ઉતર્યાં હતાં. આ સમગ્ર ઘટના મંગળવારે વહેલી સવારે 4.30 વાગ્યે બની હતી. આ કેદીઓને ઝડપી પાડવા માટે પોલીસે અનેક સ્પેશિયલ ટીમો બનાવીને તપાસ શરૂ કરી દીધી છે.