Wed Jul 15 2026

Logo

ફોરેસ્ટમાં ભરતીનો સવાલ થતાં ભાજપના ક્યા મંત્રી ભડક્યા ? લાખ છોકરા ફોન કરે તો મારે લાખને જવાબ દેવાનો ?

2026-07-15 12:17:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ ફોરેસ્ટમાં ભરતીનો સવાલ થતાં ભાજપના મંત્રી ભડક્યા હતા. તેમણે કહ્યું કે, લાખ છોકરા ફોન કરે તો મારે લાખને જવાબ દેવાનો.  મંત્રીની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

કોણ છે આ મંત્રી

ફોરેસ્ટમાં ભરતીનો સવાલ થતાં ભડકેલા ભાજપ મંત્રી બીજું કોઈ નહીં પણ અર્જુન મોઢવાડિયા છે. ફોરેસ્ટ ભરતીને લઈને ઉમેદવાર-મંત્રી અર્જુન મોઢવાડિયા વચ્ચે ફોન પર થયેલી ગરમાગરમીનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં મોઢવાડિયા લાખ છોકરા ફોન કરે તો મારે લાખને જવાબ દેવાનો તેવું કહેતા સાંભળવા મળે છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વન રક્ષક  ની ભરતી પ્રક્રિયા લાંબા સમયથી ચર્ચાનો વિષય બનેલી છે, ત્યારે આ ભરતીને લઈને ઉમેદવારો અને રાજકીય નેતાઓ વચ્ચેના સંવાદો પણ તીખા બની રહ્યા છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ઓડિયો ક્લિપ ભારે વાયરલ થઈ રહી છે, જેમાં ફોરેસ્ટ ભરતી અંગે રજૂઆત કરતા એક ઉમેદવાર પર વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ઉકળ્યા હોવાનું સામે આવ્યું છે. આ વાયરલ સંવાદે સોશિયલ મીડિયા પર નવી ચર્ચા જગાવી છે.

મળતી માહિતી મુજબ, ફોરેસ્ટ ભરતીના પરિણામો અથવા નિમણૂક પ્રક્રિયામાં થઈ રહેલા વિલંબથી પરેશાન એક ઉમેદવારે પોતાની પડતર માંગણીઓ અને રજૂઆત વરિષ્ઠ નેતા સમક્ષ મૂકી હતી. રજૂઆત દરમિયાન ઉમેદવારની વાત કરવાની શૈલી અથવા વારંવાર કરાતી દલીલોને પગલે અર્જુન મોઢવાડિયા પોતાનો પિત્તો ગુમાવી બેઠા હતા અને ઉમેદવાર પર ગુસ્સે થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ અંશમાં નેતાજી ઉમેદવારને કડક શબ્દોમાં ટોકતા સાંભળવા મળી રહ્યા છે.

આ ઓડિયો ક્લિપ વાયરલ થતાં જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી આલમ અને રાજકીય વર્તુળોમાં ગરમાવો આવી ગયો છે. નેટીઝન્સ આ મામલે મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઉમેદવારોના સમર્થકોનું કહેવું છે કે, લાંબા સમયથી ભરતી લટકતી હોવાને કારણે યુવાનો હતાશામાં છે, તેથી લોકપ્રતિનિધિઓએ તેમની વાત ધીરજપૂર્વક સાંભળવી જોઈએ.

જ્યારે બીજી તરફ કેટલાક લોકોનું માનવું છે કે, નેતાઓ કે વહીવટી વડાઓ સમક્ષ રજૂઆત કરતી વખતે ઉમેદવારોએ પણ મર્યાદા અને સભ્યતા જાળવવી જરૂરી છે. આ વિવાદ વચ્ચે હજુ સુધી આ વાયરલ ઓડિયો અંગે અર્જુન મોઢવાડિયા કે તેમના કાર્યાલય તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કે નિવેદન બહાર આવ્યું નથી. પરંતુ રોજગારી અને ભરતીના મુદ્દે સોશિયલ મીડિયા પર આ વીડિયો હાલ જોરદાર ટ્રેન્ડ કરી રહ્યો છે.