Wed Jul 15 2026

Logo

India-UK FTA આજથી લાગૂ: સ્કૉચ-વાઇનથી લઇને ચોકલેટ-બિસ્કિટ અને કાર સુધી, જાણો શું-શું થશે સસ્તું?

2026-07-15 08:21:03
Author: Mumbai Samachar Team
Article Image

(File/AFP)


નવી દિલ્હી: ભારત અને યુનાઇટેડ કિંગડમ (UK) વચ્ચેની મહત્વાકાંક્ષી ટ્રેડ ડીલ (વેપાર કરાર) આજથી એટલે કે 15 જુલાઈ 2026થી સત્તાવાર રીતે લાગુ થઈ ગઈ છે. આ ભારતની આર્થિક કૂટનીતિમાં એક નવા યુગની શરૂઆત કરશે. ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA)ની ડીલ ગયા વર્ષે 2025માં થઈ હતી. 24 જુલાઈ 2025ના રોજ બંને દેશોએ આ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. 14 વખતની વાતચીત બાદ આ કરાર તૈયાર થયો હતો, જે હવે લાગુ થઈ ચૂક્યો છે. આ ડીલથી દેશને ઘણો ફાયદો થવાનો છે.

આ ડીલ લાગુ થતાંની સાથે જ ભારત અને બ્રિટન વચ્ચે વેપાર સરળ અને સસ્તો બની ગયો છે. વિદેશી વાઇન અને સ્કોચ પીનારાઓ માટે સૌથી સારા સમાચાર એ છે કે હવે ભારતના લોકોને તે સસ્તા દરે મળશે. આ સિવાય ચોકલેટ-બિસ્કિટ, કોસ્મેટિક્સ (સૌંદર્ય પ્રસાધનો) અને વિદેશી બ્રાન્ડના કપડાં પણ પહેલાની સરખામણીમાં સસ્તા થઈ જશે.

સ્કૉચ વ્હિસ્કી કેટલી સસ્તી થશે?

પહેલાં બ્રિટનથી આયાત (ઈમ્પોર્ટ) થતી સ્કૉચ વ્હિસ્કી પર 150 ટકા ટેક્સ ચૂકવવો પડતો હતો. પરંતુ હવે નવા કરારને કારણે સ્કૉચ વ્હિસ્કી પરનો ટેક્સ 75 ટકા થઈ ગયો છે. એટલે કે હવે ટેક્સ સીધો અડધો થઈ ગયો છે, જ્યારે આગામી 10 વર્ષમાં તે ઘટીને 40 ટકા સુધી પહોંચી જશે. એટલે કે હવે સ્કૉચ વ્હિસ્કી અને વાઇન ભારતના લોકોને સસ્તા ભાવે મળશે.

આ સિવાય ભારતમાં બ્રિટિશ કાર પણ સસ્તી થશે. એટલે કે હવે ડિફેન્ડર (Defender)થી લઈને લેન્ડ રોવર (Land Rover) અને જગુઆર (Jaguar) કાર ભારતમાં થોડી સસ્તી મળશે, કારણ કે તેના પરની ઈમ્પોર્ટ ડ્યુટી (આયાત જકાત) ઘટાડી દેવામાં આવી છે. જ્યારે કેટલીક કાર પરનો ટેક્સ આગામી 10 વર્ષમાં ઘટીને 10 ટકા સુધી પહોંચી જશે.

ભારત ઈમ્પોર્ટ ડ્યુટી વગર બ્રિટનમાં સામાન વેચશે

ટ્રેડ ડીલ (વેપાર કરાર) મુજબ, ભારતને બ્રિટનમાં નિકાસ (એક્સપોર્ટ) બાબતે મોટો ફાયદો મળવાનો છે. ભારત હવે તેનો આશરે ૯૮ ટકા સામાન કોઈપણ ઈમ્પોર્ટ ટેક્સ (આયાત જકાત) વગર યુકે (UK) મોકલી શકશે. એટલે કે વેપાર કરવો પણ સરળ બની જશે. આ ડીલથી ભારતના ટેક્સટાઈલ (કાપડ), રેડીમેડ કપડાં, સીફૂડ (દરિયાઈ ખોરાક), લેધર (ચામડું), ફૂટવેર, સ્પોર્ટ્સ ગુડ્સ (રમતગમતની વસ્તુઓ), રમકડાં, જેમ્સ એન્ડ જ્વેલરી (રત્નો અને દાગીના), એન્જિનિયરિંગ ગુડ્સ અને ઓટો પાર્ટ્સને સૌથી વધુ ફાયદો થવાનો છે.

2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર 100 અબજ ડોલર સુધી લઈ જવાનો લક્ષ્યાંક

વાણિજ્ય મંત્રાલયના દર્પણ જૈને જણાવ્યું કે, ભારત અને યુકે વચ્ચે દ્વિપક્ષીય વેપાર હાલમાં 60 અબજ અમેરિકી ડોલર છે. લક્ષ્યાંક એ છે કે તેને 2030 સુધીમાં વધારીને 100 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચાડવો. ભારતનો 98% સામાન કોઈપણ ડ્યુટી વગર યુકેના માર્કેટમાં આવશે. ભારત-બ્રિટન CETA થી ભારતના દરિયાકાંઠાના રાજ્યોને ઘણો લાભ થશે. આંધ્રપ્રદેશ, ગુજરાત, કેરળ, ઓડિશા વગેરે રાજ્યોને વધુ ફાયદો થશે કારણ કે તેમની પાસે ઉત્તમ દરિયાઈ વ્યવસ્થા (બંદરો વગેરે) છે.