અમદાવાદઃ શહેરમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા પૂર્વે ભગવાનને આવકારવા અને તેમના દર્શન કરવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અષાઢી બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા પૂર્વે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જગન્નાથ મંદિરે નેત્રોત્સવ વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત હર્ષ સંઘવીએ રથયાત્રાના સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ દરમિયાન હર્ષ સંઘવી ટ્રાફિકમાં ફસાયા હતા. IPS પોતે ટ્રાફિક ક્લીયર કરાવવા ઉતર્યા હતા, પણ સફળ ના થતાં સંઘવીએ પગપાળા જવું પડ્યું હતું.
ફલેગ માર્ચ દરમિયાન કાલુપુરથી પ્રેમ દરવાજા જવાના રસ્તે ટ્રાફિક જામ હતો. જેથી ટ્રાફિક જેસીપી ખુદ રસ્તા પર ઉતર્યા હતા અને મેનેજમેન્ટ કરવા લાગ્યા હતા. ટ્રાફિક હળવો ન થતાં અંતે સંઘવી કાફલામાંથી નીચે ઉતરીને પગપાળા ચાલવા લાગ્યા હતા.
નાયબ મુખ્યમંત્રીએ જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી શરૂ કરીને ભગવાનના મોસાળ સરસપુર સુધીના સમગ્ર રૂટનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. એટલું જ નહીં, રથયાત્રાના પરતના માર્ગ પર આવેલા સંવેદનશીલ ગણાતા તંબુ ચોકી સુધીના રૂટ પર પણ તેમણે સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા કરી હતી અને અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા.
जगन्नाथ रथयात्रा से पूर्व मार्ग का निरीक्षण कर व्यवस्थाओं की समीक्षा की।
— Harsh Sanghavi (@sanghaviharsh) July 14, 2026
जय जगन्नाथ pic.twitter.com/rZe6sooHTh
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા ૧૬.૨ કિલોમીટરના પરંપરાગત રૂટ પર ભ્રમણ કરશે, જેમાં ૩ મુખ્ય રથો સાથે ૧૮ ગજરાજ, ૧૦૩ ટ્રક, ૩૦ અખાડા અને વિવિધ ભજન મંડળીઓ જોડાશે.
સુરક્ષા વ્યવસ્થા વિશે વાત કરતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રથયાત્રાની લોખંડી સુરક્ષા માટે સમગ્ર રૂટને ૨૬ રેન્જ, ૫૩ એરિયા અને ૧,૩૯૭ પોઈન્ટ્સમાં વહેંચીને ૧૦ આઇજી/ડીઆઇજી, ૪૨ ડીસીપી, ૮૮ એસીપી અધિકારીઓ સહિત ૩૦,૦૦૦થી વધુ પોલીસ જવાનો, ૧૫ એસઆરપીએફ અને ૯ સેન્ટ્રલ પેરામિલીટરી ફોર્સની કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.
રથયાત્રામાં અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગ વિશે જણાવતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આ વર્ષે રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થાને ફૂલપ્રૂફ બનાવવા માટે સ્માર્ટ પોલિસિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ રિયાલિટી અને મોનિટરીંગ તથા 3D મેપિંગ જેવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
100થી વધુ ડ્રોન દ્વારા લાઈવ સર્વેલન્સ થશે
આ ઉપરાંત તેમણે કહ્યું 100થી વધુ ડ્રોન દ્વારા લાઈવ સર્વેલન્સ, હાથીઓની દેખરેખ માટે GPS, સીસીટીવી અને ડેસિબલ મીટર, બોડી વોર્ન કેમેરા, હાઇટેક વાયરલેસ સિસ્ટમ, એઆઈ વોઇસ બોટ, એન્ટી-ડ્રોન ગન તથા શંકાસ્પદ તત્વો અને ગુનેગારોને ઝડપવા ‘AI ફેસ રેકગ્નિશન કેમેરા’ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે.
કાયદો-વ્યવસ્થાની સાથે પોલીસે છેલ્લા એક મહિનાથી તમામ સમાજો સાથે બેઠકો અને વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ યોજીને ભાઈચારાનું અદભુત વાતાવરણ ઊભું કર્યું છે એમ જણાવીને નાયબ મુખ્યમંત્રીએ પોલીસ વિભાગ અને સૌ નગરજનોને અભિનંદન પાઠવ્યા હતા. રૂટ નિરીક્ષણના કાર્યક્રમ દરમિયાન સ્થાનિક સ્તરે યોજાયેલી ચિત્ર સ્પર્ધાના વિજેતા બાળકોને નાયબ મુખ્યમંત્રીના હસ્તે ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા અને પ્રોત્સાહિત કરાયા હતા.
નાગરિકોને શું કરી અપીલ
નાયબ મુખ્યમંત્રીએ શહેરીજનોને કોઈ પણ પ્રકારની ધક્કામુક્કી વગર ભગવાનના દર્શન કરવા અને સુરક્ષાના ભાગરૂપે રૂટ પરની ભયજનક ઈમારતો પર ચઢવાનું ટાળવા અપીલ કરી હતી.