Wed Jul 15 2026

Logo

જોડિયા ભાઈઓનો એક સરખો ચહેરો મુસીબત બન્યો! ઓળખવામાં મશીનો પણ ફેલ, અમદાવાદના ભાઈઓનો એવિએશન મિનિસ્ટરને પત્ર

2026-07-15 11:40:00
Author: Mumbai Samachar Team
Article Image

અમદાવાદ: જ્યારે પણ આપણે કોઈ જોડિયા ભાઈઓ કે બહેનોને જોઈએ છીએ, ત્યારે આપણે તેમના ચહેરાની સમાનતા ચકાસવામાં લાગી જઇએ છીએ અને તેમને અલગ-અલગ ન ઓળખી શકવા પર ભારે રોમાંચ અનુભવીએ છીએ. પરંતુ જો આ જ રોમાંચ કોઈના માટે મુસીબત બની જાય તો શું થાય? 

જી હા, અમદાવાદના બે જોડિયા ભાઈઓના ચહેરા બિલકુલ એક સરખા હોવા તેમના બંને માટે આફત બની ગયા છે. ત્યાં સુધી કે ચહેરાને સ્કેન કરતી મશીનો પણ તેમને અલગ-અલગ ઓળખવામાં નિષ્ફળ રહી છે. પરિણામે હવે તે બંનેએ સરકાર પાસે મદદની વિનંતી કરી છે.

જ્યારે પણ અમદાવાદના બિઝનેસમેન અને જોડિયા ભાઈઓ સંજીવ અને રાજીવ છાજેડ બિઝનેસ કે હરવા-ફરવા માટે હવાઈ મુસાફરી કરે છે, ત્યારે તેમને સૌથી પહેલા 'ડિજી યાત્રા' (Digi Yatra) પર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ એપ ચહેરાની ઓળખ (ફેસ રેકગ્નિશન) દ્વારા એરપોર્ટ પર ઝડપી એન્ટ્રી અને સિક્યોરિટી ક્લિયરન્સ આપવાનો દાવો કરે છે. જોકે, આ જ ડિજી યાત્રા એપ જોડિયા ભાઈઓ માટે મુસીબત બની ગઈ છે. આ એપ બંને ભાઈઓ વચ્ચેનો તફાવત ઓળખી શકતી નથી. આ કારણે તેમનામાંથી એકને ફાસ્ટ-ટ્રેક પ્રોસેસમાંથી હટીને મેન્યુઅલ વેરિફિકેશન (કાગળની ચકાસણી) માટે લાઇનમાં ઊભા રહેવું પડે છે.

વારંવાર આવતી આ મુશ્કેલીથી પરેશાન થઈને બંને ભાઈઓએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પત્ર લખીને આ સમસ્યાના ઉકેલની માંગ કરી છે. તેમણે 10 જુલાઈની એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. સંજીવે જણાવ્યું કે તેઓ ઇન્ડિગોની ફ્લાઇટ 6E 2179 દ્વારા અમદાવાદથી દિલ્હી જઈ રહ્યા હતા, ત્યારે જ ડિજી યાત્રા ગેટ પર 'Too Many Access' (ટૂ મેની એક્સેસ) નો મેસેજ જોવા મળ્યો હતો.

મેન્યુઅલ કરવું પડ્યું સિક્યોરિટી ક્લિયરન્સ 

રાજીવને પણ આ જ એરર (ભૂલ) જોવા મળી હતી. બંને ભાઈઓએ જણાવ્યું કે સિક્યોરિટી ચેકપોઇન્ટ પર પણ તેમને આ જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તેમની મુસાફરીમાં વિલંબ થયો હતો. તેમણે જણાવ્યું કે એરપોર્ટ સ્ટાફે તેમને ડિજી યાત્રા માટે બનેલી ખાસ લેનનો ઉપયોગ કરવાને બદલે, તેમનામાંથી એકને મેન્યુઅલ (મેળવણીની જૂની પદ્ધતિ) રીતે ઓળખની તપાસ પૂરી કરવા માટે કહ્યું. બંને ભાઈઓએ ડિજી યાત્રા એપ પર રજીસ્ટ્રેશન પૂરું કર્યું હોવા છતાં આ પ્રક્રિયા ફરીથી કરવી પડી હતી.

સંજીવે પત્રમાં શું લખ્યું મંત્રાલયને લખેલા પોતાના પત્રમાં સંજીવે જણાવ્યું કે એવું બની શકે છે કે સિસ્ટમ બંને ભાઈઓના એક સરખા ચહેરાને ડુપ્લિકેટ અથવા વારંવાર એક્સેસ કરવાનો પ્રયાસ માની રહી હોય. તેમણે અધિકારીઓને વિનંતી કરી કે તેઓ તપાસ કરે કે શું જોડિયા લોકો માટે ફેશિયલ રેકગ્નિશન અલ્ગોરિધમમાં વધારાના સુરક્ષા પગલાંની જરૂર છે, અને આ માટે કોઈ કાયમી ઉકેલ કે વૈકલ્પિક વેરિફિકેશન પ્રક્રિયા સૂચવે.

અમદાવાદની પટેલ ફેમિલી પણ પરેશાન

આ સમસ્યા માત્ર એક પરિવાર પૂરતી સીમિત નથી. અમદાવાદની 24 વર્ષની જોડિયા બહેનો કેયા પટેલ અને હિયા પટેલે જણાવ્યું કે જ્યારે પણ તેઓ સાથે મુસાફરી કરે છે, ખાસ કરીને રજાઓ દરમિયાન, ત્યારે તેમને પણ આવી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

બહેનોનું કહેવું છે કે જ્યારે તેઓ અલગ-અલગ મુસાફરી કરે છે ત્યારે આ સમસ્યા નથી આવતી. તેમનું માનવું છે કે આ સમસ્યા ત્યારે થાય છે જ્યારે બંને જોડિયા બહેનો લગભગ એક જ સમયે ફેશિયલ રેકગ્નિશન ગેટ (ચહેરો ઓળખવાના ગેટ) પરથી પસાર થવાનો પ્રયાસ કરે છે.