બર્મિંગમ: વિદેશી ધરતી પર એક વન-ડેમાં ચાર વિકેટ લેવા ઉપરાંત 50-પ્લસ રન બનાવનાર ભારતીયોમાં અક્ષર પટેલે મંગળવારે સચિન તેંડુલકર અને હાર્દિક પંડ્યાની બરાબરી કરી હતી.
અક્ષરે મંગળવારની મૅચમાં ઇંગ્લૅન્ડની 62 રનમાં ચાર વિકેટ લીધી હતી. છેલ્લા ચારેય બૅટ્સમેનને અક્ષરે આઉટ કર્યા હતા. ત્યાર બાદ અક્ષરે ભારતની ઇનિંગ્સમાં એક સિક્સર અને પાંચ ફોરની મદદથી 52 બૉલમાં અણનમ 57 રન કર્યા હતા. અક્ષરને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.
સચિન તેંડુલકરે 1998માં ઢાકામાં ઑસ્ટ્રેલિયા સામેની એક વન-ડેમાં 141 રન બનાવવા ઉપરાંત ચાર વિકેટ પણ લીધી હતી. અઢી દાયકા બાદ (2022ની સાલમાં) હાર્દિક પંડ્યાએ મૅન્ચેસ્ટરમાં ઇંગ્લૅન્ડ (England) સામેની એક વન-ડેમાં 71 રન બનાવવા ઉપરાંત ચાર વિકેટ પણ મેળવી હતી.

અક્ષર-સુંદર વચ્ચે 102 રનની અતૂટ ભાગીદારી
અક્ષર (Axar) અને બીજા સ્પિન ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદર ( 63 બૉલમાં એક સિકસર અને ચાર ફોરની મદદથી અણનમ 52 રન) વચ્ચે પાંચમી વિકેટ માટે 102 રનની અતૂટ ભાગીદારી થઈ હતી.
ઇંગ્લેન્ડે 258 રન કર્યા પછી ભારતનો સ્કોર 28મી ઓવરમાં ચાર વિકેટે 160 રન હતો ત્યારે વૉશિંગ્ટન સુંદર સાથે અક્ષર જોડાયો હતો અને બંને ઑલરાઉન્ડર ટીમના સ્કોરને 46મી ઓવરમાં 262 રન સુધી લઈ ગયા હતા અને ભારતની જિતાડી દીધું હતું. ભારતે લક્ષ્યાંક હાંસલ કરીને ત્રણ મૅચની સિરીઝમાં 1-0થી સરસાઈ મેળવી હતી. એ સાથે, યુરોપના વર્તમાન પ્રવાસમાં ભારતીયોએ વિજયનો દુકાળ દૂર કર્યો હતો.
આવતી કાલે બીજી વન-ડે
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ત્રણ મૅચની વન-ડે સિરીઝની બીજી મૅચ આવતી કાલે કાર્ડીફમાં (સાંજે 5:30 વાગ્યાથી) રમાશે.