ભુજઃ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના વધતા જતા કેસો અને બાળકોના મૃત્યુની ઘટનાઓ વચ્ચે હવે કચ્છ જિલ્લામાં પણ આ વાયરસને લઈને સતર્કતા વધી છે એ વચ્ચે ગાંધીધામના ગળપાદર વિસ્તારમાં એક ૧૦ વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. સાવચેતીના ભાગરૂપે આ બાળકના સેમ્પલ તાત્કાલિક અસરથી વધુ તપાસ અર્થે ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. હાલ આ બાળક ગાંધીધામની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ બાબતે જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી કેશવકુમારે જણાવ્યું હતું કે, બાળકની તબિયતમાં હાલ સુધારો જણાઈ રહ્યો છે, જેથી અત્યારે ગભરાવા જેવો કોઈ વિષય નથી. જો કે, ગાંધીનગર લેબમાંથી સત્તાવાર રિપોર્ટ આવ્યા બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે કે બાળક ચાંદીપુરા વાયરસથી સંક્રમિત છે કે અન્ય કોઈ બીમારી છે. આ રિપોર્ટ આવવામાં હજુ એકાદ દિવસનો સમય લાગી શકે છે.
૨૦૨૪માં પણ કચ્છમાં ફેલાયો હતો આ વાયરસ
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૪માં પણ કચ્છ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કારણે ૩ બાળકોના મોત નીપજ્યા હતા, જેને પગલે તંત્ર આ વખતે અત્યંત સાવચેતી દાખવી રહ્યું છે.
૧૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં વધુ જોખમ: વાલીઓને અપીલ
જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીએ આ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે ૧૪ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને વધુ અસર કરે છે અને તે ગંભીર સાબિત થઈ શકે છે. આથી વાલીઓએ ખાસ તકેદારી રાખીને બાળકોને સંપૂર્ણ શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવવાં, રાત્રે તેમજ સુતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો તથા ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવી જરૂરી છે. આ વાયરસ ફેલાવતી રેતી માખી (સેન્ડ ફ્લાય) અને અન્ય જીવાતોથી બાળકોનું રક્ષણ કરવા ખાસ અપીલ કરવામાં આવી છે.
આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC), સામુદાયિક આરોગ્ય કેન્દ્રો (CHC) અને આયુષ્માન આરોગ્ય મંદિરોમાં તાવ સહિતના લક્ષણો ધરાવતા દર્દીઓ પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે. ગ્રામ્ય સ્તરે આશા વર્કરો, એએનએમ અને મલ્ટિપર્પઝ હેલ્થ વર્કરોની ટીમ દ્વારા ઘર-ઘર જઈને સર્વેલન્સ અને જનજાગૃતિની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.
આરોગ્ય તંત્રએ જણાવ્યું છે કે, જો કોઈ બાળકને અચાનક તીવ્ર તાવ, ઊલટી, ખેંચ આવવી, બેભાન થવું અથવા અસામાન્ય વર્તન જેવા લક્ષણો જણાય, તો સહેજ પણ વિલંબ કર્યા વગર નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. આ સાથે જ કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગે નાગરિકોને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા અને માત્ર આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવતી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા ખાસ અનુરોધ કર્યો છે.
(ઉત્સવ વૈદ્ય)