Wed Jul 15 2026

Logo

મણિપુરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ: આસામ રાઇફલ્સના કેમ્પ પર હુમલો, ટોળાએ વાહનો સળગાવ્યા

2026-07-15 14:13:00
Author: Vimal Prajapati
Article Image

સેનાપતિ: મણિપુરમાં ફરી એકવાર હિંસા ભડકી ઉઠી છે. રાજ્યના સેનાપતિ જિલ્લામાં મંગળવારે રાત્રે એક ઉશ્કેરાયેલા હિંસક ટોળાએ આસામ રાઇફલ્સના કેમ્પને નિશાન બનાવ્યો હતો. આ હુમલા દરમિયાન ટોળાએ કેમ્પ પર જોરદાર પથરાવ કર્યો, ભારે તોડફોડ કરી અને સુરક્ષા દળોના ત્રણ વાહનોને આગને હવાલે કરી દીધા હતા. આ ઘટના આસામ રાઇફલ્સ દ્વારા ચલાવવામાં આવેલા સર્ચ ઓપરેશનના થોડા કલાકો બાદ જ ઘટી હતી.

ઉગ્રવાદીઓની માહિતી મળતા શરૂ કરાયું હતું સર્ચ ઓપરેશન

ડિફેન્સ પ્રોબ્લિક રિલેશન ઓફિસરના જણાવ્યા પ્રમાણે આસામ રાઇફલ્સને ચોક્કસ ગુપ્ત માહિતી મળી હતી કે માકુઇલોંગદી વિસ્તારમાં કેટલાક સશસ્ત્ર ઉગ્રવાદીઓ છુપાયેલા છે. આ સ્થળ પ્રતિબંધિત સંગઠન NSCN ના ઓકલોંગ સ્થિત નિર્ધારિત કેમ્પથી લગભગ બે કિલોમીટર પશ્ચિમમાં આવેલું છે. આ બાતમીના આધારે સેનાની ટુકડીએ આ વિસ્તારમાં પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

ગુપ્તચર અહેવાલો અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી કેટલીક પોસ્ટ્સ પરથી જાણવા મળ્યું હતું કે, કેટલાક સશસ્ત્ર ઉગ્રવાદીઓ સરકાર સાથે થયેલા સીઝફાયરના નિયમોનું ઉલ્લંઘન કરીને હથિયારો અને ગણવેશ સાથે કેમ્પની બહાર ખુલ્લેઆમ ફરી રહ્યા હતા. આ અંગે સીઝફાયર મોનિટરિંગ ગ્રુપને પણ સત્તાવાર રીતે જાણ કરવામાં આવી હતી. જ્યારે આસામ રાઇફલ્સની ટીમ સર્ચ ઓપરેશન માટે માકુઇલોંગદી અને ઓકલોંગ ગામો તરફ આગળ વધી રહી હતી, ત્યારે સ્થાનિક ગ્રામજનોએ તેમનો રસ્તો રોકી લીધો હતો. સેનાને આગળ વધતી રોકવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ પણ રસ્તા પર ઉતરી આવી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તણાવ વધી ગયો હતો.

કેમ્પ પર પથરાવ અને વાહનોમાં આગ લગાવી

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રાત્રે આશરે 9 વાગ્યે બાતમી મળી હતી કે સેનાપતિ શહેરમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યા છે અને તેઓ આસામ રાઇફલ્સના કેમ્પ તરફ કૂચ કરવાની તૈયારીમાં છે. પરિસ્થિતિ વણસે નહીં તે માટે સુરક્ષા દળોની ટીમ સર્ચ ઓપરેશન અધવચ્ચે છોડીને કેમ્પ પર પરત ફરી હતી. સેના પરત ફરી હોવા છતાં, રાત્રે આશરે 9:30 વાગ્યે એક વિશાળ હિંસક ટોળું આસામ રાઇફલ્સના કેમ્પ પર ધસી આવ્યું હતું. ઉશ્કેરાયેલા લોકોએ કેમ્પ પર પથ્થરમારો શરૂ કર્યો હતો અને સેનાની સંપત્તિને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.

કેટલું નુકસાન પહોંચાડ્યું?

હિંસા દરમિયાન ટોળાએ આસામ રાઇફલ્સના એક લાઇટ વ્હિકલ (હળવા વાહન) ને આગ લગાવી દીધી હતી. સેનાના બે મોટા ટ્રકોને તોફાની તત્વોએ રસ્તા પર પલટાવીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ સાથે આ હિંસાની ઝપેટમાં એક સ્થાનિક નાગરિકની કાર પણ આવી ગઈ હતી, જે બળીને ખાખ થઈ ગઈ હતી. હાલ સેનાપતિ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે વધારાના સુરક્ષા દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે અને સ્થિતિ કાબૂ હેઠળ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.