મુંબઈઃ મુંબઈના કોસ્ટલ રોડ ટનલમાં બુધવારે બપોરે એક ચાલતી કારમાં અચાનક આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ હતી. આ ઘટના હાજી અલીથી વરલી તરફ જતા માર્ગ પર બની હતી, જેના કારણે વાહનચાલકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી અને આગ કયા કારણસર લાગી હતી એનું કારણ હજી સુધી જાણી શકાયું નહોતું.
મુંબઈ ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમને બપોરે લગભગ 12.15 કલાકે આ ઘટનાની જાણકારી મળી હતી. આગના માહિતી મળતા જ ફાયર બ્રિગેડ, પોલીસ અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
ટ્રાફિકના જોઈન્ટ પોલીસ કમિશનર સત્યનારાયણ ચૌધરીએ આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ઉત્તર દિશાનો ટ્રાફિક શરૂ કરી દેવાયો છે અને દક્ષિણ દિશાના ટ્રાફિકને પણ ટૂંક સમયમાં સામાન્ય કરી દેવામાં આવશે. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિની પ્રાથમિક માહિતી સામે નથી આવી રહી.
ટનલની અંદર લાગેલી આગને કારણે વાહનચાલકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો. અનેક લોકો પોતાની ગાડીઓ ત્યાં જ છોડીને સુરક્ષિત બહાર નીકળવા માટે ભાગવા લાગ્યા હતા. આ ઘટનાને નજરે જોનારા પ્રત્યક્ષદર્શીએ આ અનુભવને 'હોલીવુડની ડિઝાસ્ટર મૂવી' જેવો ગણાવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે ટનલમાં અચાનક આગની જ્વાળાઓ જોઈને લોકોમાં ચીસો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કેટલાક કારચાલકો પોતાની ગાડી છોડીને લગભગ એક કિલોમીટર સુધી દોડીને સુરક્ષિત બહાર નીકળ્યા હતા. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, જેની તપાસ ચાલી રહી છે.
ટનલની સુરક્ષા પર ઉઠ્યા સવાલ
આ ઘટના બાદ મુંબઈગરાઓએ ટનલની અંદરની ઈમરજન્સી વ્યવસ્થા પર ચિંતા વ્યક્ત કરી છે. સરકાર પાસે સુરક્ષા મજબૂત કરવા માંગણી કરી રહ્યા છે, જેવી કે-
⦁ ઈમરજન્સી એક્ઝિટ માટે વધુ સ્પષ્ટ સાઈન બોર્ડ લગાવવા
⦁ ઈવેક્યુશન માટે માર્ગદર્શન સુધારવું
⦁ લોકોને આવી સ્થિતિમાં કેવી રીતે વર્તવું તે માટે જાગૃતિ લાવવી અને મોક ડ્રિલ યોજવી