Fri Sep 04 2026

Logo

ફૂટબૉલનો ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન કહે છે, `આજે રાત્રે આર્જેન્ટિના જીતશે, પણ ટાઇટલ તો સ્પેનનું જ'

2026-07-15 16:21:06
Author: Ajay Motiwala
ફૂટબૉલનો ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન કહે છે, `આજે રાત્રે આર્જેન્ટિના જીતશે, પણ ટાઇટલ તો સ્પેનનું જ'

Hannah Mckay/Reuters


નવી દિલ્હીઃ 23મા ફિફા વર્લ્ડ કપનો અંત નજીક આવી ગયો છે અને હવે માત્ર ત્રણ મૅચ બાકી રહી છે અને એ વિશે ભારતના ભૂતપૂર્વ ફૂટબૉલ કૅપ્ટન ક્લાઇમૅક્સ લૉરેન્સ (Climax Lawrence)એ આગાહી કરી છે જેમાં તેણે બુધવાર મધરાત પછી 12.30 વાગ્યાથી રમાનારી ઇંગ્લૅન્ડ સામેની બીજી સેમિ ફાઇનલમાં આર્જેન્ટિના પર વિજયનો કળશ ઢોળ્યો છે, પરંતુ ટાઇટલ ફેવરિટ માટે સ્પેન (Spain)નું નામ આપ્યું છે. લૉરેન્સના મતે `ફાઇનલમાં આર્જેન્ટિના કે ઇંગ્લૅન્ડમાંથી જે કોઈ પહોંચશે, પણ વર્લ્ડ કપની ટ્રોફી સ્પેન જ જીતશે.'

વર્તમાન યુરોપિયન ચૅમ્પિયન સ્પેને મંગળવારે રાત્રે 2022ના રનર-અપ ફ્રાન્સને 2-0થી હરાવીને 2010 બાદ (16 વર્ષે) ફરી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આક્રમણ અને સંરક્ષણ, બન્નેમાં સ્પેનના ખેલાડીઓ ફ્રાન્સ પર હાવી થયા હતા.

47 વર્ષના લૉરેન્સે પીટીઆઇ વીડિયોઝને મુલાકાતમાં કહ્યું, `ઇંગ્લૅન્ડની ટીમ ઘણી સારી છે. છેલ્લી બે મૅચમાં તેમણે એક ગોલના ફરકથી પાછળ રહ્યા બાદ કમબૅક કરીને બે ગોલ કરીને વિજય મેળવ્યો હતો. આ કોઈ આસાન વાત નથી. સેમિમાં આર્જેન્ટિના માટે જ્યૂડ બેલિંગમ મુખ્ય ખતરો છે અને હૅરી કેનનો અનુભવ પણ ટીમને ખૂબ કામ લાગશે. બન્ને વચ્ચે બહુ સારો તાલમેલ હોય છે, પરંતુ મને લાગે છે કે આર્જેન્ટિના ફાઇનલમાં પહોંચશે. લિયોનેલ મેસી જબરદસ્ત ફૉર્મમાં છે અને આર્જેન્ટિનાની આખી ટીમ પણ બહુ સારા ફૉર્મમાં છે. આર્જેન્ટિના-ઇંગ્લૅન્ડ સેમિ ફાઇનલમાં ખૂબ રસાકસી થશે.'

આર્જેન્ટિનાનો ગોલકીપર બ્રિટિશ ટીમ વિશે ઘણું જાણે છે

ક્લાસમૅક્સ લૉરેન્સના મતે `આર્જેન્ટિનાના ગોલકીપર એમિલિયાનો માર્ટિનેઝને ઇંગ્લૅન્ડની ઍસ્ટન વિલા ક્લબ સાથે પ્રીમિયર લીગ રમવાનો બહુ સારો અનુભવ છે. એ રીતે માર્ટિનેઝ ઇંગ્લૅન્ડના કેટલાક ખેલાડીઓ કેવી રીતે રમતા હોય છે એ સારી રીતે જાણતો હશે.'