Sat Sep 05 2026

Logo

લોકલ ટ્રેનમાં મહિલાઓએ ફોડી દહીં-હાંડી! બદલાપુર-થાણે લોકલનો અનોખો વાઈરલ વીડિયો જોયો કે નહીં?

2026-09-04 17:36:45
Author: Darshana Visaria
લોકલ ટ્રેનમાં મહિલાઓએ ફોડી દહીં-હાંડી! બદલાપુર-થાણે લોકલનો અનોખો વાઈરલ વીડિયો જોયો કે નહીં?

મુંબઈઃ મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં દરરોજ કરોડો પ્રવાસીઓ પ્રવાસ કરે છે. મુંબઈગરા માટે લોકલ ટ્રેન એ એક માત્ર ટ્રાન્સપોર્ટેશનનું એક માધ્યમ નથી પરંતુ એક ઈમોશન છે. હાલમાં સોશિયલ મીડિયા પર લોકલ ટ્રેનનો એક આવો જ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારી મહિલા પ્રવાસીઓએ જન્માષ્ટમી પર્વની અનોખી રીતે ઉજવણી કરી છે. 

મળતી માહિતી મુજબ મધ્ય રેલવેની બદલાપુરથી થાણે જઈ રહેલી સવારની લોકલ ટ્રેનના લેડીઝ કોચમાં મહિલાઓએ ભેગા મળીને દહીં-હાંડી બાંધી, ગીતો-ગરબા સાથે નાચગાન કર્યું અને બે થરનો માનવ પિરામિડ (હ્યુમન પિરામિડ) રચીને હાંડી ફોડી હતી. આ અનોખી ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થયો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના બદલાપુરથી સવારે આશરે 7.56 વાગ્યે ઉપડેલી થાણે તરફ જતી લોકલ ટ્રેનમાં બની હતી. મહિલાઓએ કોચના ઉપરના પકડવાના હેન્ડલ (ગ્રેબ હેન્ડલ્સ) સાથે દોરી બાંધીને દહીં-હાંડી લટકાવી હતી. એક વયસ્ક મહિલા મુસાફરે નીચે સપોર્ટ આપ્યો અને એક યુવતી તેના ખભા પર ચડીને લટકતી હાંડી સુધી પહોંચી હતી. યુવતીએ સફળતાપૂર્વક હાંડી ફોડતાં જ આખા કોચમાં "ગોવિંદા આલા રે"ના નારા અને તાળીઓનો ગડગડાટ ગૂંજી ઊઠ્યો હતો.

જોકે, આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા આ વીડિયો પર નેટિઝન્સની મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. મોટાભાગના નેટીઝન્સે મુંબઈની લોકલ ટ્રેનની મહિલા મુસાફરોના ઉત્સાહ, એકતા અને રોજીંદા થકવી નાખતા પ્રવાસ વચ્ચે તહેવારનો આનંદ માણવાની ભાવનાને બિરદાવી છે. કેટલાક યુઝર્સે દોડતી લોકલ ટ્રેનમાં આ પ્રકારના સ્ટંટ સામે સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે. અચાનક બ્રેક લાગવા કે વળાંક પર સંતુલન બગડવાથી અકસ્માત સર્જાઈ શકતો હોવાનો મત પણ કેટલાક લોકોએ વ્યક્ત કર્યો હતો.

સમગ્ર મુંબઈ અને થાણે પંથકમાં જન્માષ્ટમી બાદ શુક્રવારે મોટા પાયે દહીં-હાંડી સ્પર્ધાઓ અને ગોવિંદા પથકોના આઠથી નવ થરના પિરામિડ જોવા મળવાના છે, તે પહેલાં લોકલ ટ્રેનની આ ક્ષણોએ ઉત્સવના માહોલને વધુ રંગીન બનાવી દીધો છે.