ઢાકાઃ પડોશી દેશ બાંગ્લાદેશના રંગપુર સિટીમાં એક હિન્દુ પરિવારના ચાર સભ્યોની હત્યાથી સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. છેલ્લા કેટલાક સમયથી બાંગ્લાદેશમાં હિન્દુઓની થઈ રહેલી હત્યાને લઈને બાંગ્લાદેશ સરકાર સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. રિપોર્ટમાંથી વિગત એવી મળી રહી છે કે, અહીંયા વસતા મોટા ભાગના હિન્દુ પરિવારો કૉલાકાતા-પશ્ચિમ બંગાળના મૂળ ધરાવે છે.
65 વર્ષના નિવૃત્ત શિક્ષક ગણપતી ચક્રવર્તી, પત્ની પ્રીતિલતા, દીકરી આગામી તથા દીકરા પ્રિયમની હત્યા કરી દેવામાં આવી હતી. પ્રિયમ 12 વર્ષનો હતો. હવે પોલીસની કામગીરી પર સવાલ ઊભા થઈ રહ્યા છે. શરૂઆતમાં આ ઘટનાને લઈ અનેક ચર્ચા હતી પણ જે રીતે તપાસ આગળ વધી એમ વિરોધાભાસ અને અનેક વિસંગતતાઓ સામે આવતા મામલો ગરમાયો હતો.
ઠંડા કલેજે હત્યા કરી નાખી
31 ઓગસ્ટના મળેલા રિપોર્ટમાંથી એ વાત જાણવા મળી છે કે, પકડાયેલા બન્ને આરોપીઓના ડોપ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. આનો અર્થ એ થયો કે, પકડાયેલા બન્ને આરોપીના શરીરમાં કોઈ ડ્રગ્સના અંશ પણ નહોતા. આનાથી પોલીસના દાવા સામે શંકા પ્રબળ બની રહી છે. બિનોયચંદ્ર દાસે સવાલ ઊઠાવ્યો હતો કે, અતિ પાતળા છોકરાએ કોઈ જ પ્રકારના ધૂમ-ધડાકા વગર ચાર વ્યક્તિની ઠંડા કલેજે હત્યા કરી નાંખી છે. આવું કોઈ કેવી રીતે કરી શકે છે?
ચાર વ્યક્તિને કોઈ જ પ્રકારના શોર-અવાજ વગર એકપછી એક રીતે મારી દેવામાં આવે અને પડોશીઓને એની ગંધ પણ ન આવવી. આવું કેવી રીતે શક્ય છે? પોલીસે જણાવ્યું હતું કે, હત્યા કર્યા બાદ પણ આરોપીઓ ત્યાં નાસી ગયા ન હતા પણ ત્યાં એ જ ઘરમાં બેસી રહ્યા હતા. જમવાનું જમ્યા. બીજીવાર ડ્રગ્સ લીધું અને સવારની નમાજનો સમય થતા શાંતિથી ત્યાંથી નીકળી ગયા.
પુરાવાનો નાશ યુક્તિપૂર્વક કરાયો
23 ઓગસ્ટના ગણપતિની હત્યા છત પર, પત્ની અને દીકરીની ફ્લોરના પગથિયા પર અને દીકરાની એના રૂમમાં લાશ મળી આવી હતી. 27મી ઓગસ્ટે પોલીસે કહ્યું હતું કે, પત્ની અને દીકરીની હત્યા છત પર થઈ છે. પછી બન્નેનાં મૃતદેહને પગથિયા સુધી ઢસડી લેવાયા.
પત્રકાર પરિષદમાં બાંગ્લાદેશના પોલીસ કમિશનરે પત્રકારોના સવાલનો જવાબ આપ્યા વગર જ પરિષદ ખતમ કરી દીધી. ઘટનાસ્થળે વીજક્નેક્શન કાપી નાંખવામાં આવ્યું હતું. છત ઉપરથી પાણી સતત વહેતુ રહ્યું હતું. આનાથી ઘટનાસ્થળે રહેલા કેટલાક પુરાવાઓ નષ્ટ થવાની શક્યતાને નકારી શકાતી નથી. આ સિવાય પૈસા અને દાગીનાની જપ્તને લઈ પોલીસના નિવેદનમાં એક તફાવત દેખાઈ રહ્યો છે.