રશિયા અને યૂક્રેન વચ્ચે લગભગ સાડા ચાર વર્ષથી ચાલી રહેલું યુદ્ધ સમાપ્ત કરવાની કોશિશો હવે ફરી એકવાર પ્રગતિમાં છે. યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ ગુરુવારે કહ્યું કે રશિયા સાથે સંભિવત શાંતિ સમજૂતીનો રસ્તો નીકાળવાની કોશિશો કરી રહેલા અમેરિકી વાર્તાકાર આવનારા દિવસોમાં યૂક્રેન અને રશિયાનો પ્રવાસ કરી શકે છે.
ઝેલેન્સ્કીએ પોતાના એક વીડિયો સંબોધનમાં કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિના યૂક્રેન આવવાની શરૂઆતી તારીખો નક્કી થઇ ગઇ છે. તેમણે કહ્યું કે અમેરિકી પ્રતિનિધિઓની મોસ્કો અને કીવ બન્ને જગ્યાએ બેઠક થવાની છે. ઝેલેન્સ્કીએ કહયું કે આવનારા દિવસોમાં થનારી બેઠકોનું ઘણું જ મહત્વ છે.
પીએમ મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને યુદ્ધ સમાપ્ત કરવા અપીલ કરી
અમેરિકી વાટાઘાટકારોની આ સક્રિયતા એવા સમયે સામે આવી છે, જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે યુક્રેન યુદ્ધ અંગે સીધી વાતચીત કરી હતી. કિર્ગિસ્તાનના બિશ્કેક ખાતે શંઘાઈ સહયોગ સંગઠન એટલે કે એસસીઓ સમિટ દરમિયાન બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ હતી.
આ દરમિયાન પીએમ મોદીએ યુદ્ધની માનવીય અસરોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, હંમેશાં ચાલતું રહેતું યુદ્ધ માનવતાને પાછળ ધકેલી દે છે. તેમણે દુનિયાને 'ક્યારેય સમાપ્ત ન થતા યુદ્ધ'માંથી બહાર આવીને યુદ્ધને સમાપ્ત કરવાની દિશામાં આગળ વધવા અપીલ કરી હતી. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે કોઈપણ સમસ્યાનું સમાધાન યુદ્ધના મેદાનમાં ન આવી શકે. ભારતે કૂટનીતિક અને શાંતિપૂર્ણ ઉકેલના પ્રયાસોમાં પોતાનું સમર્થન ચાલુ રાખવાની વાત પણ કરી હતી.
પીએમ મોદીની અપીલ બાદ પુતિન યુદ્ધ સમાપ્ત કરવા તૈયાર
પીએમ મોદીની અપીલ બાદ પુતિને પણ જાહેરમાં શાંતિને લઈને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી. પુતિને જણાવ્યું કે રશિયા યુદ્ધને સમાપ્ત કરવા અને અસ્થાયી યુદ્ધવિરામને બદલે કાયમી શાંતિ સ્થાપવા માટે તૈયાર છે. તેમણે એમ પણ કહ્યું કે મોસ્કો એ તમામ પક્ષો સાથે વાતચીત કરવા માટે તૈયાર છે જેઓ શાંતિ પ્રક્રિયામાં જોડાવા ઈચ્છે છે. જોકે, રશિયા તરફથી એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઈપણ ઉકેલમાં તેના મૂળભૂત વ્યૂહાત્મક હિતોને ધ્યાનમાં રાખવા પડશે.