Mon Sep 07 2026

Logo

ભારતીય વાયુસેનાના નિર્ણયથી પાકિસ્તાનમાં કેમ મચી ગયો ખળભળાટ ? તાબડતોડ બોલાવી ઈમરજન્સી મીટિંગ

2026-09-04 14:41:00
Author: Mayur Patel
ભારતીય વાયુસેનાના નિર્ણયથી પાકિસ્તાનમાં કેમ મચી ગયો ખળભળાટ ? તાબડતોડ બોલાવી ઈમરજન્સી  મીટિંગ

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેના 17 દિવસ સુધી લાંબો યુદ્ધાભ્યાસ કરવા જઈ રહી છે, જેના માટે NOTAM જાહેર કરી દેવામાં આવ્યું છે. ભારતના આ નિર્ણયથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે.

મળતી વિગત પ્રમાણે,  ભારતીય વાયુસેના દ્વારા 21 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી જેસલમેર-બાડમેર-ફલોદી-જોધપુર સેક્ટરમાં યુદ્ધાભ્યાસ કરાશે. તેમજ NAL-બીકાનેર હવાઈ વિસ્તારને પણ બંધ કરવામાં આવશે. ભારતના આ પગલાંથી પાકિસ્તાન ગભરાઈ ગયું છે. પાકિસ્તાને ઈમરજન્સી બેઠક બોલાવી છે અને બોર્ડર પર દેખરેખ પણ વધારી દીધી છે.

ભારતીય વાયુસેનાના 17 દિવસના યુદ્ધાભ્યાસને લઈ ફફડી ઉઠેલા પાકિસ્તાને ભારત બોર્ડર પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. ઉપરાંત પાકિસ્તાનના રક્ષા મંત્રાલયે દેશના સીનિયર રક્ષા અધિકારીઓની ઈમરજન્સી બેઠક બોલાવી છે. રિપોર્ટ મુજબ, આ મામલે પાકિસ્તાનના ચીફ ઑફ ડિફેન્સ ફોર્સિસની ઑફિસને ધ્યાનમાં રાખીને લેવામાં આવી છે.

ભારતીય વાયુસેના દ્વારા યુદ્ધાભ્યાસ માટે જે હવાઈ ક્ષેત્ર રિઝર્વ રાખવામાં આવ્યું છે તે 40 હજાર ફૂટની ઊંચાઈ સુધી ફેલાયેલું છે. આ કવાયત જેસલમેર-બાડમેર-ફલોદી-જોધપુર સેક્ટરમાં યોજાશે. માહિતી અનુસાર, ભારતીય વાયુસેના 26 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન જોધપુરમાં 'તરંગ શક્તિ 2026' યુદ્ધાભ્યાસ પણ કરી શકે છે. જે કવાયત માટે NOTAM જાહેર કરવામાં આવ્યું છે તે તેની સાથે મેળ ખાય છે. 'તરંગ શક્તિ' અભ્યાસમાં ઘણા દેશોની વાયુસેનાઓ ભાગ લે છે અને હવાઈ યુદ્ધાભ્યાસ કરે છે.

https://x.com/notam_in/status/2095465063197098421

શું છે આ અભ્યાસનો હેતુ?

ભારતીય વાયુસેનાના આ યુદ્ધાભ્યાસનો ઉદ્દેશ્ય પોતાની ઓપરેશનલ પ્રક્રિયાઓ, બહેતર તાલમેલ, તૈનાતીની પદ્ધતિઓ, સૈન્યકર્મીઓ અને વિમાનોની સજ્જતાની ચકાસણી કરવાનો છે. આ અભ્યાસમાં વાયુસેનાના એડવાન્સ્ડ ફાઈટર જેટ્સ પણ સામેલ થશે અને અનેક ઓપરેશન્સ હાથ ધરશે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ ભારતીય સેનાના યુદ્ધાભ્યાસ માટે NOTAM જાહેર કરવામાં આવતું રહ્યું છે.

NOTAM શું હોય છે?

NOTAM નો અર્થ નોટિસ ટુ એરમેન  થાય છે. આ એક પ્રકારની નોટિસ છે, જે યુદ્ધ, કોઈ અસામાન્ય પરિસ્થિતિ કે યુદ્ધાભ્યાસ દરમિયાન ચોક્કસ વિસ્તાર માટે જાહેર કરવામાં આવે છે. NOTAM નો મુખ્ય હેતુ નિર્ધારિત સમય અને વિસ્તારમાં નાગરિક તેમજ સૈન્ય વિમાનોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હોય છે. મિસાઈલ પરીક્ષણ, રોકેટ લોન્ચ અથવા અન્ય વ્યૂહાત્મક સૈન્ય પ્રવૃત્તિઓ વખતે પણ NOTAM જારી કરવામાં આવે છે.