Mon Oct 12 2026

Logo

પહેલાં HIV ટેસ્ટ, પછી જ ચર્ચમાં લગ્ન: પાદરીના ફરમાનથી ખળભળાટ

2026-09-04 13:47:00
Author: Mayur Patel
પહેલાં HIV ટેસ્ટ, પછી જ ચર્ચમાં લગ્ન: પાદરીના ફરમાનથી ખળભળાટ

તિરુવનંતપુરમઃ કેરળના તિરુવનંતપુરમમાં માર થોમા ચર્ચના એક પાદરીના નિવેદનને લઈ વિવાદ સર્જાયો છે. પાદરી તથા ચર્ચના ટ્રસ્ટી ડૉ. કે.  થોમસે કહ્યું કે, ચર્ચમાં યુવક-યુવતીના લગ્ન HIV ટેસ્ટ કરાવ્યા બાદ જ થવા જોઈએ.  તેમના આ નિવેદનને લઈ કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યો છે. સોશિયલ મીડિયા પર પણ પાદરીના નિવેદનની આલોચના થઈ રહી છે.

પાદરીએ તિરુવનંતપુરમમાં એક સ્કૂલમાં યોજાયેલા કાર્યક્રમમાં કહ્યું હતું કે, કર્ણાટક સરકારે તમામ કૉલેજ કેમ્પસમાં HIV ટેસ્ટ કરાવવાનો નિર્ણય કર્યો છે. માર થોમા ચર્ચમાં થતાં લગ્ન પહેલા તમામ કપલે HIV ટેસ્ટ કરાવવો જોઈએ.  તેમણે કહ્યું- હું ઈચ્છું ખે મારા થોમા ચર્ચમાં થતા તમામ લગ્ન આવા ટેસ્ટ બાદ જ થવા જોઈએ. માતા-પિતા મારી વાતને લઈ ખોટું ન લગાડતાં.

દીકરીના લગ્નને લઈને પણ કહી વાત

પાદરીએ માતા-પિતાને સંબોધિત કરતા પોતાની દીકરીના લગ્ન પહેલાં તેની સાથે કોઈ પણ પ્રકારનું અયોગ્ય વર્તન કે શોષણ ન થયું હોય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું, જ્યારે માતા-પિતા પોતાની 27 વર્ષની દીકરીને દુલ્હન બનાવીને ચર્ચ લાવે છે, ત્યારે તેમણે એ પાકું કરી લેવું જોઈએ કે તેની સાથે કોઈ ગેરવર્તણૂક કે શોષણ થયું નથી. પાદરીએ એમ પણ કહ્યું કે આ ફેમિલી ગેધરિંગનો ઉદ્દેશ્ય માતા-પિતાને આવા જ કિસ્સાઓ પ્રત્યે જાગૃત અને સક્ષમ બનાવવાનો હતો.

પાદરીના નિવેદનનો થઈ રહ્યો છે વિરોધ

પાદરીના આ નિવેદન બાદ અનેક લોકોએ તેનો વિરોધ કર્યો છે. ટીકાકારોનું કહેવું છે કે HIV ટેસ્ટને લગ્ન સાથે જોડવું એ ચર્ચ સમુદાયના યુવાનો માટે અપમાનજનક છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ઘણા લોકોએ પાદરીના નિવેદનની ટીકા કરી છે. તેમનું કહેવું છે કે આવી ટિપ્પણીથી યુવાનોની ગરિમા અને અંગત જીવનને લઈને ખોટો સંદેશ જાય છે. ઉલ્લેખનીય છે કે, થોડા વર્ષો પહેલાં કેરળના ચર્ચે આરોપ લગાવ્યો હતો કે ખ્રિસ્તી મહિલાઓને ઇસ્લામિક સ્ટેટની જાળમાં ફસાવવામાં આવી રહી છે.