Sat Sep 05 2026

Logo

વધુ ભાડું વસૂલવા રિક્ષા-ટૅક્સીનાં મીટરમાં ગેરકાયદે ડિવાઈસ ફિટ કરનારા પકડાયા

2026-09-04 17:10:39
Author: Yogesh C. Patel
વધુ ભાડું વસૂલવા રિક્ષા-ટૅક્સીનાં મીટરમાં ગેરકાયદે ડિવાઈસ ફિટ કરનારા પકડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પ્રવાસીઓ પાસેથી વધુ ભાડું વસૂલવાને ઇરાદે રિક્ષા-ટૅક્સીનાં મીટરમાં ઈલેક્ટ્રોનિક રનિંગ સર્કિટ ગેરકાયદે ફિટ કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી પોલીસે પાંચ જણની ધરપકડ કરી હતી. પોલીસે આવાં ડિવાઈસ બેસાડવામાં આવેલાં વાહનો પણ જપ્ત કર્યાં હતાં.દહિસર પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ જોએબ અલ્તાફ દેશમુખ (32), અમીન રમજાન પઠાણ (31), રિયાઝ અબ્દુલગની શેખ (45), નાઝીર ઈબ્રાહિમ પટેલ (57) અને આનંદ કુમાર નાનકપ્રસાદ રાય (60) તરીકે થઈ હતી. આરોપીઓ પાસેથી ગેરકાયદે ડિવાઈસ ફિટ કરવામાં આવેલી બે રિક્ષા, બે ટૅક્સી અને એક કૅબ જપ્ત કરવામાં આવી હતી.

રિક્ષા અને ટૅક્સીનાં મીટર સાથે કથિત ચેડાં કરી પ્રવાસીઓને લૂંટવામાં આવતા હોવાની માહિતી પરથી પોલીસે સંબંધિત ટૅક્સીની માહિતી મેળવી હતી. એ ટૅક્સીમાં ડમી ગ્રાહકે પ્રવાસ કરતાં મીટરમાં ગરબડ હોવાની ખાતરી થઈ હતી. શંકાને આધારે પોલીસે ટૅક્સીને તાબામાં લઈ બોરીવલી આરટીઓમાં મોકલવામાં આવી હતી.ટૅક્સીના મીટરની તપાસ કરતાં ઈલેક્ટ્રોનિક રનિંગ સર્કિટ ગેરકાયદે ફિટ કરવામાં આવ્યું હોવાનું જણાયું હતું. ટૅક્સી ડ્રાઈવરની પૂછપરછ કરતાં ડિવાઈસ ઈલેક્ટ્રિશિયન એવા રિક્ષા ડ્રાઈવર અમીન પઠાણે ફિટ કર્યું હોવાનું જણાયું હતું. અમીને અન્ય વાહનોમાં પણ આ ડિવાઈસ બેસાડ્યું હોવાનું તપાસમાં જણાયું હતું. વધુ તપાસ બાદ પોલીસે અન્ય ચારને તાબામાં લઈ વાહનો જપ્ત કર્યાં હતાં. આરોપીઓ વિરુદ્ધ દહિસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.