(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે (પશ્ર્ચિમ)માં માજિવાડા મેટ્રો સ્ટેશન પાસે મેટ્રો પ્રોજેક્ટ માટે ખોદકામ દરમ્યાન વહેલી સવારના ગૅસ પાઈપલાઈન ફૂટી જતા ગૅસ ગળતર થયું હોવાની ઘટના બની હતી, જેમાં પાઈપલાઈનમાં ભંગાણને પગલે એરિયામાં પચ્ચીસથી ૩૦ બિલ્િંડગમાં ગૅસ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ થાણે પશ્ર્ચિમમાં હરદાસનગરમાં વિવિયાના મૉલ નજીક માજિવાડા મેટ્રો સ્ટેશન નજીક વહેલી સવારના ૫.૪૨ વાગે આ બનાવ બન્યો હતો, જેમાં મેટ્રો પ્રોજેક્ટના ખોદકામ દરમ્યાન ૧૨૫ મિ.મી.ની મહાનગર ગૅસ પાઈપલાઈન ફૂટી ગઈ હતી અને તેમાંથી ગૅસ ગળતર શરૂ થઈ ગયું હતું.
ઘટનાની જાણ થતા વર્તક નગર પોલીસ સહિત ફાયરબિગ્રેડ, મહાનગર ગૅસના કર્મચારી સહિત સંબંધિત યંત્રણા ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પાઈપલાઈનમાંથી ગૅસ ગળતર થઈ રહ્યું હોવાથી મહાનગરના કર્મચારીએ ગળતર રહેલા ગૅસ પાઈપલાઈનો ગૅસ પુરવઠો ખંડિત કરી નાખ્યો હતો અને ત્યારબાદ સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમ્યાન સમારકામને પગલે સ્થાનિક વિસ્તરમાં ૨૫થી ૩૦ બિલ્િંડગમાં ગૅસ પુરવઠો ખોરવાઈ ગયો હતો. પાઈપલાઈનમાં ગળતરનું સમારકામ પૂર્ણ થયા બાદ મોડેથી ગૅસ પુરવઠો પૂર્વવત્ કરવામાં આવ્યો હતો.