Sat Sep 05 2026

Logo

છત્રપતિ સંભાજી નગરમાં ખાનગી હૉસ્પિટલના એનઆઈસીયુમાં આગ: નવ નવજાત બાળકો સહિત ૫૮ને બચાવી લેવાયા

2026-09-04 17:21:17
Author: Sapna Desai
છત્રપતિ સંભાજી નગરમાં ખાનગી હૉસ્પિટલના એનઆઈસીયુમાં આગ: નવ નવજાત બાળકો સહિત ૫૮ને બચાવી લેવાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: છત્રપતિ સંભાજી નગરમાં આવેલી એક ખાનગી હૉસ્પિટલમાં શુક્રવારે વહેલી સવારના નવજાત બાળકો માટે એનઆઈસીયુ (નીઓનેટલ ઈન્ટેન્સીવ કેર યુનિટ)માં  આગ ફાટી નીકળી હતી, જેમાં નવ નવજાત બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં સફળતા મળી હતી.મરાઠવાડા રિજનના અધિકારીના જણાવ્યા મુજબ શહેરના જાલના રોડ પર આવેલી એશિયન હૉસ્પિટલમાં આ દુર્ઘટના બની હતી. એનઆઈસીયુમાં નવજાત બાળકો પર સારવાર ચાલી રહી હતી, જેમાં વહેલી સવારના લગભગ પોણા ત્રણ વાગ્યાની આસપાસ  ફરજ પર હાજર રહેલા એક સ્ટાફે એસી યુનિટમાંથી ધુમાડો નીકળી રહ્યો હોવાનું જોયું હતું.

અધિકારીના જણાવ્યા મુજબ આગની  જાણ થતા ઘટના સ્થળે ફાયરબિગ્રેડ, પોલીસ સહિત હૉસ્પિટલમાં કર્મચારીઓ દોડી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગનું સ્વરૂપ નાનું હતું પણ એનઆઈસીયુમાં નવજાત બાળકો હોવાથી તકેદારીના પગલારૂપે સુરક્ષાનું ધ્યાન રાખીને બાળકોને બાજુમાં રહેલા જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. હૉસ્પિટલના ડૉકટરના જણાવ્યા મુજબ નવજાત બાળકોને  તેમની પરિવારની મંજૂરી સાથે નજીક આવેલી અન્ય હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા, જેમા પાંચ બાળકોને ઘાટી હૉસ્પિટલ, ત્રણ બાળકોને એમજીએમ હૉસ્પિટલ અને એકને સંજીવની હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

સરકારી અધિકારીના જણાવ્યા મુજબ હૉસ્પિટલ પ્રશાસન સાથે ફાયરબિગ્રેડે તરત પગલા લઈને પરિસ્થિતિને નિયંત્રણમાં આણી હતી. ૧૫થી ૨૦ મિનિટમાં આગ પર નિયંત્રણ મેળવ્યું હતું અને પરિસરના અન્ય વિસ્તારમાં ફેલાતી રોકી દેવામાં આવી હતી.આ ઘટનામાં અમુક લોકોને ઈજા પહોંચી હતી. બાદમાં હૉસ્પિટલમાં સફાઈ કરીને તેને ફરી શરૂ કરવામાં આવી હતી.જવાહરનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે હૉસ્પિટલ બિલ્ડિંગના પહેલા માળા પર એનઆઈસીયુ આવેલો છે.

અહીં કુલ ૫૮ દર્દી પર સારવાર ચાલી રહી હતી, જેમાં નવ નવજાત બાળકોનો સમાવેશ થાય છે. બાકીના દર્દી જનરલ વોર્ડ અને સ્પેશિયલ રૂમમાં હતા. તેમને તરત અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સવારના આગની દુર્ઘટના ઘટી હતી પણ તેમાં સદ્નસીબે કોઈ જખમી થયું નહોતું.નોંધનીય છે કે હજી ૧૦ દિવસ પહેલા જ વિદર્ભના અમરાવતીની ડિસ્ટ્રિક્ટ વુમેન્સ હૉસ્પિટલમાં આવેલા એનઆઈસીયુમાં આગ લાગી હતી, જેમાં ત્રણ નવજાત બાળકોનાં મોત થયાં હતાં. આ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે  ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો હતો.