Tue Sep 29 2026

Logo

ડીજે પર પ્રતિબંધ માટે સરકાર સર્વસંમતિ સાધવા પ્રયાસ કરી રહી છે: દેવેન્દ્ર ફડણવીસ

2026-09-04 20:49:07
Author: Mumbai Samachar Team
ડીજે પર પ્રતિબંધ માટે સરકાર સર્વસંમતિ સાધવા પ્રયાસ કરી રહી છે: દેવેન્દ્ર ફડણવીસ

પુણે: તહેવારો દરમિયાન વધુ અવાજવાળા ડીજે સિસ્ટમના ઉપયોગ પર નિયંત્રણ મૂકવા માટે રાજ્ય સરકાર સર્વસંમતિ સાધવાનો પ્રયાસ કરી રહી છે, સાથે જ તેમણે પરંપરાગત રીતે તહેવારોની ઉજવણી તરફ પાછા વળવાની અપીલ કરી હતી, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. 

તેમણે જણાવ્યું કે તેઓ પુણેના પોલીસ કમિશનર સાથે વાત કરી ચૂક્યા છે અને લોકોને મુશ્કેલી ઊભી કરતી  સાઉન્ડ સિસ્ટમ પર રોક લગાવવા અંગે તમામ સંબંધિત પક્ષો વચ્ચે વ્યાપક સર્વસંમતિ હોય તેવું જણાઈ રહ્યું છે.

તહેવારો દરમિયાન ડીજે અને લાઉડસ્પીકરના ઉપયોગ સામે અવાજ ઉઠાવનારા અને ગણેશોત્સવ દરમિયાન ધ્વનિ પ્રદૂષણ સામે ઝુંબેશ ચલાવનારા કાર્યકર્તા વિદ્યાનંદ બાપટ પર ગુરુવારે પુણેના તિલક રોડ પર એક ટેલિવિઝન ન્યૂઝ ચેનલ સાથે વાત કરતી વખતે હુમલો કરવામાં આવ્યો હતો.

તેમણે નોંધ્યું કે જ્યારે તહેવારો પરંપરાગત રીતે ઉજવવામાં આવે ત્યારે તેનું મહત્વ વધુ વધી જાય છે, પરંતુ વર્ષોથી વિકસેલી પ્રથાઓને માત્ર કાયદાકીય કાર્યવાહી દ્વારા નાબૂદ કરી શકાતી નથી. "કાયદાનો ઉપયોગ તો કરવો જ પડશે, નહીંતર આવી પ્રથાઓ અટકાવી શકાતી નથી. તેની સાથે સાથે, લોકોને વિશ્વાસમાં લઈને આગળનો રસ્તો શોધવો વધુ મહત્વપૂર્ણ છે," ફડણવીસે જણાવ્યું હતું. 

હાઇ-પાવર ડીજેના ધ્રુજારીને "ધરતીકંપ" જેવી ગણાવતાં ફડણવીસે સ્પષ્ટ કર્યું હતું કે, રાજ્યવ્યાપી નીતિ તરત જ નહીં બને; પહેલાં તમામ પક્ષકારો સાથે ચર્ચા કરવામાં આવશે. ચર્ચાથી ૯૦ થી ૯૫ ટકા લોકો સહમત થઈ જાય છે, તેથી સૌની સંમતિ સાધીને જ આખરી નીતિ અને આદેશ જારી કરાશે, તેમણે ઉમેર્યું હતું.

આપણે પરંપરાગત ઉજવણી તરફ આગળ વધવું પડશે અથવા ઓછામાં ઓછું ખૂબ જ ઊંચા સ્તરના અવાજ પ્રદૂષણથી તો દૂર જવું જ પડશે," મુખ્યપ્રધાને જણાવ્યું હતું.