Mon Oct 05 2026

Logo

મુંબઈ ઇન્કમ ટેક્સના રડારમાં આવ્યું બોલિવુડ, રકુલપ્રીત સિંહ અને વાસુ ભગનાની સહિત 12 સ્થળોએ દરોડા....

2026-09-28 13:09:00
Author: Vimal Prajapati
મુંબઈ ઇન્કમ ટેક્સના રડારમાં આવ્યું બોલિવુડ, રકુલપ્રીત સિંહ અને વાસુ ભગનાની સહિત 12 સ્થળોએ દરોડા....

મુંબઈઃ બોલિવુડના કેટલીક મોટી હસ્તીઓ આવકવેરા વિભાગ (ઇન્કમ ટેક્સ વિભાગ)ના નિશાન પર આવી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ફિલ્મોના નામે વિદેશમાં રૂપિયા મોકલવા અને ટેક્સ ચોરી કરવાની શંકાએ મુંબઈ આવકવેરા વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મુંબઈમાં ફરી એકવાર આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના કારણે બોલિવુડમાં હડકંપ મચી ગયો છે. ચાલો વિગતે ચર્ચા કરીએ...

આવકવેરા વિભાગે કુલ 12 જગ્યાએ રેડ પાડી

મુંબઈ આવકવેરા વિભાગ દ્વારા ટેક્સ ચોરી અને ફિલ્મોના પ્રમોશનના નામે વિદેશમાં રૂપિયા મોકલવાના કેસમાં અનેક નામી હસ્તીઓન અને પ્રોડક્શન હાઉસ પર કાર્યવાહી શરૂ કરી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આવકવેરા વિભાગે અભિનેત્રી રકુલપ્રીત સિંહ, દિગ્ગજ ફિલ્મ નિર્માતા વાસુ ભગનાની અને પેનોરમા સ્ટૂડિયોઝ સાથે સંકળાયેલ કુલ 12 જગ્યાએ રેડ પાડીને તપાસ શરૂ કરી છે. 

આવકવેરા વિભાગને ઘણાં લાંબા સમયથી બાતમી મળી રહી હતી કે, ફિલ્મનું શૂટિંગ અને ઓવરસીઝ ડિસ્ટ્રીબ્યૂશન અને પ્રોડક્શનના નામે મોટી રકમ વિદેશમાં મોકલવામાં આવી રહી હતી. જેથી આ આવકવેરા વિભાગને શંકા ગઈ છે કે, આ પ્રક્રિયા દ્વારા મોટા પ્રમાણમાં ટેક્સની હેરાફેરી કરવામાં આવી રહી છે. આ મામલે મુંબઈ આવકવેરા વિભાગની અલગ અલગ ટીમોએ મુંબઈમાં અનેક જગ્યાએ રેડ પાડી છે. 

આવકવેરા વિભાગના રડારમાં કોણ કોણ આવ્યું?

આવકવેરા વિભાગને બોલિવુડ અને સાઉથ સિનેમા જગતમાં લોકપ્રિય અભિનેત્રી રકુલપ્રીત સિંહ અને પૂજા એન્ટરટેન્ટમેન્ટના બેનર હેઠળ અનેક મોટી બોલિવુડ ફિલ્મો બનાવી ચૂકેલા જાણીતા ફિલ્મ નિર્માતા વાસુ ભગનાની પર સૌથી વધારે શંકા છે. આ સાથે જેણે ‘દ્રશ્યમ’ ફ્રેન્ચાઈઝી જેવી બ્લોકબસ્ટર ફિલ્મો બનાવી તેવા પેનોરમા સ્ટૂડિયોઝને ત્યાં પણ રેડ પાડવામાં આવી છે. અત્યારે આવકવિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયાં બાદ આઈટી વિભાગ દ્વારા ટેક્સ ચોરી અને નાણાની હેરફેર અંગે વિગતે જાણકારી આપવામાં આવશે.