Mon Oct 05 2026

Logo

શંકરસિંહ વાઘેલા કયા પક્ષમાં જોડાશે ? જાણો બાપુએ શું કહ્યું

2026-09-29 13:04:00
Author: Mayur Patel
શંકરસિંહ વાઘેલા કયા પક્ષમાં જોડાશે ? જાણો બાપુએ શું કહ્યું

ગાંધીનગરઃ રાજ્યમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ પહેલાં ગુજરાતની રાજનીતિને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કૉંગ્રેસમાં ઘર વાપસી કરશે. હાઈકમાન્ડની લીલી ઝંડી બાદ શંકરસિંહના જોડાવાનો નિર્ણય લેવામાં આવશે.  સૂત્રોના જણાવ્યા પ્રમાણે,  શંકરસિંહ વાઘેલા સહિત અનેક લોકોને પક્ષમાં સામેલ કરવા માટે હાઇકમાન્ડ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. જ્યારે શંકરસિંહ વાઘેલાએ પણ આ વાત સાચી હોવાનું કહ્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર કૉંગ્રેસનો હાથ પકડી શકે છે. છેલ્લા એક મહિનાથી ચાલતી મથામણ બાદ હવે આગામી બે દિવસમાં તેઓ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાય તેવી ચર્ચાએ ગુજરાતના રાજકારણમાં સસ્પેન્સ વધારી દીધું છે.  કૉંગ્રેસમાં તેમની ઘરવાપસી થાય તો પાર્ટીના આગામી રાજકીય આયોજનમાં તેમની ભૂમિકા શું રહેશે તે અંગે પણ હવે સવાલો ઉઠી રહ્યા છે.

બાપુની કૉંગ્રેસમાં ઘરવાપસીને 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે આ ઘટનાક્રમને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આ તરફ, સપ્ટેમ્બરની શરૂઆતમાં શંકરસિંહ વાઘેલા પ્રજા શક્તિ પાર્ટીના કાર્યક્રમો અને આગામી 2027ની ચૂંટણીને લઈને સક્રિય રાજકારણમાં જોવા મળ્યા હતા. તે સમયે કૉંગ્રેસમાં જોડાવાની ચર્ચા અંગે તેમણે અલગ નિવેદનો આપ્યા હતા અને કૉંગ્રેસમાં જોડાવાની વાતને લઈને ઉત્સાહ ન દેખાતો હોવાનું પણ કહ્યું હતું.

ગુજરાતના બન્યા હતા 12મા મુખ્યમંત્રી

વાઘેલા 23 ઓક્ટોબર, 1996ના રોજ રાજ્યના 12મા મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારે ભાજપથી અલગ થઈને રાષ્ટ્રીય જનતા પાર્ટી બનાવી હતી. તેઓ 1 વર્ષ અને પાંચ દિવસ સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. ત્યારબાદ દિલીપ પરીખને મુખ્યમંત્રી બનાવવા પડ્યા હતા. દિલીપ પરીખ 188 દિવસ સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. તે પછી રાજ્યમાં ભાજપની મોટી જીત બાદ ફરી કેશુભાઈ પટેલ અને પાછળથી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા હતા.  

પીએમ મોદી સાથે છે મિત્રતા

શંકરસિંહ વાઘેલા ભલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બહુ ન મળતા હોય, પરંતુ તેમની પીએમ મોદી સાથે ગાઢ મિત્રતા છે. રાજ્યમાં ભાજપને મજબૂત કરવામાં શંકરસિંહ વાઘેલા, સુરેશ મહેતા, કેશુભાઈ પટેલ અને કાશીરામ રાણાને યાદ કરવામાં આવે છે. શંકરસિંહ વાઘેલા કેન્દ્રમાં ટેક્સટાઈલ મંત્રી પણ રહી ચૂક્યા છે.

કોણ છે શંકરસિંહ વાઘેલા અને રાજકીય કરિયર

શંકરસિંહ વાઘેલાનો જન્મ ગાંધીનગર જિલ્લાના વાસણા ગામમાં 21 જુલાઈ 1940ના રોજ થયો હતો. 1960ના દાયકામાં શંકરસિંહ વાઘેલાએ તેમની રાજકીય સફરની શરૂઆત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રાજકીય પાંખ 'જનસંઘ'માં જોડાઈને કરી હતી. તેઓ RSSના સક્રિય સભ્ય રહ્યા અને દેશમાં લાદવામાં આવેલી કટોકટી (ઇમર્જન્સી) દરમિયાન જેલવાસ પણ ભોગવ્યો હતો.

વર્ષ 1977થી 1979 સુધી કપડવંજ લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. વર્ષ 1977થી 1980 સુધી જનતા પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ તરીકે સંગઠનમાં સેવા આપી હતી. 1980માં કપડવંજ બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો.વર્ષ 1980થી 1991 સુધી પ્રદેશ ભાજપના મહાસચિવ તરીકે રહીને સંગઠનને મજબૂત બનાવ્યું. વર્ષ 1984થી 1989 દરમિયાન રાજ્યસભાના સાંસદ બન્યા હતા. વર્ષ 1989માં ગાંધીનગર લોકસભા બેઠક અને 1991માં ગોધરા લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે વિજય મેળવ્યો હતો.

1995માં ભાજપ સામે બળવો કર્યો અને અલગ થઈને ‘રાષ્ટ્રીય જનતા પાર્ટી’ (RJP)ની સ્થાપના કરી હતી. 1996માં કૉંગ્રેસના સમર્થનથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. 1997માં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું અને પોતાની પાર્ટી રાજપાનું કૉંગ્રેસમાં વિલીનીકરણ કરી સત્તાવાર રીતે કૉંગ્રેસમાં સામેલ થયા હતા. વર્ષ 1999 અને 2004માં કપડવંજ લોકસભા બેઠક પરથી સંસદસભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2004માં કેન્દ્ર સરકારમાં કેન્દ્રીય કાપડ મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. વર્ષ 2009માં પંચમહાલ લોકસભા બેઠક પરથી ચૂંટણી હાર્યા હતા.

વર્ષ 2012માં કપડવંજ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય બન્યા અને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતાની જવાબદારી સંભાળી હતી. વર્ષ 2014માં સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા પરંતુ પરાજય થયો હતો. 2017માં કૉંગ્રેસ  સાથે મતભેદો સર્જાતા પક્ષ છોડ્યો અને 'જન વિકલ્પ મોરચા'ની સ્થાપના કરી હતી. 2019માં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)માં જોડાયા અને રાષ્ટ્રીય મહામંત્રી બન્યા હતા, જોકે એક જ વર્ષમાં એનસીપી સાથે પણ છેડો ફાડ્યો હતો. 2024માં પ્રજા શક્તિ ડેમોક્રેટિક નામની રાજકીય પાર્ટીની જાહેરાત કરી હતી.