Tue Oct 06 2026

Logo

બિગ બોસના વીકએન્ડ કા વાર પર કોને જેલના સળિયા પાછળ ધકેલવાની વાત કરી સલમાન ખાને?

2026-09-28 21:48:36
Author: Darshana Visaria
બિગ બોસના વીકએન્ડ કા વાર પર કોને જેલના સળિયા પાછળ ધકેલવાની વાત કરી સલમાન ખાને?

સલમાન ખાનના સુપરહિટ રિયાલિટી શો 'બિગ બોસ 20' (Bigg Boss 20)ને આશરે ત્રણ અઠવાડિયા પૂર્ણ થઈ ગયા છે. ઘરમાં કન્ટેસ્ટન્ટ દ્વારા જે હંગામો જોવા નથી મળ્યો, તેના કરતાં વધુ મોટો ધડાકો સલમાન ખાને પોતાના 'વીકેન્ડ કા વાર' દરમિયાન કર્યો છે. આ અગાઉ શર્ટલેસ થઈને બોડી શેમિંગ કરનારાઓની ક્લાસ લીધા બાદ, આ વખતના એપિસોડમાં ભાઈજાને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો દુરુપયોગ કરી ડીપફેક વીડિયો અને ફેક ઓડિયો બનાવનારા તત્વો સામે લાલ આંખ કરી છે.

સલમાન ખાને પોતાનું ઉદાહરણ આપતાં ખુલાસો કર્યો હતો કે તેઓ પોતે પણ આ ગંભીર સમસ્યાનો ભોગ બની ચૂક્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જ્યાં સુધી આવા લોકોને પકડીને જેલના સળિયા પાછળ નહીં ધકેલાય, ત્યાં સુધી આ સાયબર ગુનાઓ અટકશે નહીં.

ડીપફેકના વધતા દુરુપયોગ પર ગુસ્સો વ્યક્ત કરતાં સલમાન ખાને જણાવ્યું હતું કે કોઈએ તમારો એઆઈ અવાજ ક્લોન કરીને ડબ કર્યો અને કોઈને ગાળો બોલી દીધી. લોકોને ખબર પણ નથી કે આ લોકો શું કરી રહ્યા છે. તેઓ ફેક એઆઈ વીડિયો બનાવી રહ્યા છે. સામાન્ય લોકો તો અજાણતા એવું માનીને શેર કરી દે છે કે સલમાન ખાન ત્યાં હતો, પરંતુ જે લોકો જાણીજોઈને આ વીડિયો બનાવી રહ્યા છે તેઓ કયા પ્રકારના લોકો છે?

સલમાન ખાને પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે "જ્યાં સુધી આવા એક-બે લોકોને જેલના સળિયા પાછળ નહીં ધકેલવામાં આવે, ત્યાં સુધી આ સિલસિલો અટકવાનો નથી. હવે હું આ મામલાને અત્યંત ગંભીરતાથી લેવાનો છું.

સોશિયલ મીડિયા પર સેન્સરશિપ લાવવાની કરી માંગ:
બિગ બોસના વીકએન્ડ કા વાર પર ભાઈજાને ખુલ્લેઆમ કહ્યું કે હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર કડક સેન્સરશિપ અને કાયદાકીય નિયંત્રણ લાદવાનો સમય આવી ગયો છે, જેથી કોઈપણ વ્યક્તિ કોઈની પણ છબી ખરડવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ગેરકાયદે ઉપયોગ ન કરી શકે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સલમાન ખાને ડિસેમ્બર 2025માં પણ પોતાના ફેક એઆઈ ફોટા, વીડિયો અને અવાજનો ગેરઉપયોગ કરનારા તત્વો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. બોલીવૂડમાં અમિતાભ બચ્ચન, રશ્મિકા મંદાના, અક્ષય કુમાર, પ્રીતિ ઝિન્ટા અને શ્રુતિ હાસન જેવા દિગ્ગજ કલાકારો પણ અગાઉ ડીપફેક સામે અવાજ ઉઠાવી ચૂક્યા છે અને લીગલ એક્શન લઈ ચૂક્યા છે.

બિગ બોસ 20માંથી ઈશા રિખી બહાર:
વાત કરીએ બહુચર્ચિત લોકપ્રિય રિયાલિટી ટીવી શો બિગ બોસ 20ના ઘરની વાત કરીએ તો તાજેતરના એલિમિનેશનમાં ઈશા રિખી (Isha Rikhi) શોમાંથી બહાર થઈ ગઈ છે, જ્યારે યંગ ડીએસએ (Young DSA) માંડ-માંડ બચી ગયા હતા. આ શોમાં હાલ મેરી કોમ, આસિફ ખાન, કનિકા માન, આમ્રપાલી દુબે, કાઝી તૌકીર, માહી વિજ, રીતી તિવારી અને ઉદિતી સિંહ વચ્ચે જબરદસ્ત સ્પર્ધા જોવા મળી રહી છે.