નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે વિપક્ષના મત ચોરીના આરોપને પાયાવિહોણા ગણાવ્યા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ચૂંટણી પંચ જેવી બંધારણીય સંસ્થાઓમાં જનતાનો વિશ્વાસ નબળો પાડવાનો અને "અરાજકતા અને અંધાધૂંધી"ના બીજ વાવવાનો આરોપ લગાવ્યો.
પત્રકારો સાથે વાત કરતા, ફડણવીસે ચૂંટણી પેનલમાં મતભેદ હોવાનો આરોપ લગાવતા મીડિયા અહેવાલોને ફગાવી દીધા અને ભારપૂર્વક જણાવ્યું કે ત્રણેય ચૂંટણી કમિશનરોએ શનિવારે એક સંયુક્ત પ્રેસ નિવેદનમાં સ્પષ્ટતા કરી હતી કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંગેના નિર્ણયો સર્વાનુમતે લેવામાં આવ્યા હતા.
તેમણે વધુમાં કટાક્ષ કર્યો કે મતોની ચોરી નથી થઇ, પણ રાહુલ ગાંધીનું મગજ જરૂર ચોરાઈ ગયું છે! તેમના ચોરાયેલા મગજને શોધી કાઢવા એક સમિતિની નિમણૂક કરવાની હું વડા પ્રધાનને અરજ કરું છું, જેથી તેઓ દેશહિતમાં પણ બોલી શકે.
રાહુલ ગાંધી લોકોના મનમાં એવો ભય ઉભો કરી રહ્યા છે કે, સંવિધાન સ્થાપિત દેશની સંસ્થાઓ તેમને ન્યાય અપાવી નહીં શકે. તેઓ ચૂંટણી પંચ, સુપ્રીમ કોર્ટ, આરબીઆઇ, કેગ વગેરે દરેક સંસ્થા પર સવાલ ઉઠાવી રહ્યાં છે. ફડણવીસે ભારપૂર્વક જણાવ્યું કે ચૂંટણી પંચના નિર્ણયો સર્વસંમતિથી લેવાયેલા હતાં અને તેમાં કોઈ વિરોધ નહોતો. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીની નીતિ એ છે કે જો તમે લોકોને સમજાવી ન શકો તો તેમને મૂંઝવી નાખો.
તાજેતરમાં કરાયેલી તપાસમાં દાવો કરવામાં આવ્યો હતો કે બે ચૂંટણી કમિશનરોએ 10 મહિનામાં ઓછામાં ઓછા 14 વખત એસઆઇઆર પ્રક્રિયાના સંચાલન સામે ઔપચારિક રીતે વાંધો ઉઠાવ્યો હતો, ત્યાર બાદ કોંગ્રેસ અને અન્ય ઘણા પક્ષો અને સંગઠનોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી છે.