Wed Sep 30 2026

Logo

નાંદેડના મુખેડ-મુદખેડ દુકાળ યાદીમાંથી કેમ બહાર? અશોક ચવ્હાણનો ઓડિયો વાયરલ, ખેડૂતોનો રોષ!

2026-09-28 20:13:25
Author: Mumbai Samachar Team
નાંદેડના મુખેડ-મુદખેડ દુકાળ યાદીમાંથી કેમ બહાર? અશોક ચવ્હાણનો ઓડિયો વાયરલ, ખેડૂતોનો રોષ!

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે રાજ્યના 358માંથી 265 તાલુકાઓને દુકાળગ્રસ્ત જાહેર કર્યા બાદ નાંદેડ જિલ્લાના મુખેડ અને મુદખેડ તાલુકાનો સમાવેશ ન થતાં સ્થાનિક સ્તરે નારાજગી જોવા મળી રહી છે. નાંદેડના કુલ 16 તાલુકામાંથી 14 તાલુકામાં ‘ટ્રિગર-1’ લાગુ કરવામાં આવ્યો છે, જ્યારે મુખેડ અને મુદખેડને આ યાદીમાંથી બહાર રાખવામાં આવ્યા છે. 
આ મુદ્દે ખેડૂતો અને સ્થાનિક કાર્યકરો દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે.આ દરમિયાન ભાજપના રાજ્યસભા સાંસદ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ તથા એક કાર્યકર વચ્ચેની કથિત વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 

આ ઓડિયોમાં કાર્યકર મુદખેડને દુકાળની યાદીમાંથી કેમ બહાર રાખવામાં આવ્યો તે અંગે સવાલ કરે છે અને લોકો કાર્યકરોને જવાબ માગી રહ્યા હોવાની વાત કરે છે. તેના જવાબમાં ચવ્હાણે કથિત રીતે થોડા દિવસ શાંત રહેવા અને ટીકા સહન કરવા કહ્યું હોવાનું સામે આવ્યું છે. જોકે, આ ઓડિયોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.

ચવ્હાણે જાહેરમાં આપેલા નિવેદનમાં તેમણે જણાવ્યું હતું  કે મુખેડ અને મુદખેડને દુકાળની યાદીમાં સામેલ કરવા માટે તેમણે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે વાત કરી છે. તેમના જણાવ્યા મુજબ હાલની યાદી ‘ટ્રિગર-1’ના માપદંડના આધારે તૈયાર થઈ છે અને આગળની પ્રક્રિયામાં આ બંને તાલુકાની સ્થિતિનો ફરી વિચાર થઈ શકે છે. કેટલાક અહેવાલો અનુસાર ‘ટ્રિગર-2’માં જમીનની ભેજની સ્થિતિ, પાકની સ્થિતિ અને અન્ય પરિબળોની સમીક્ષા કરવામાં આવશે.

મુદખેડ અને મુખેડને સામેલ કરવાની માગ સાથે ચવ્હાણે મુખ્ય પ્રધાનને આ સમગ્ર મુદ્દે રજૂઆત પણ કરી હતી. મુદખેડમાં સરેરાશના 85 ટકા અને મુખેડમાં 81 ટકા વરસાદ નોંધાયો હોવા છતાં વરસાદનું વિતરણ અસમાન રહ્યું હતું અને ઓગસ્ટમાં લાંબો વરસાદી વિરામ પડ્યો હતો. 

મુદખેડમાં 21,671 હેક્ટરમાંથી 13,823 હેક્ટર અને મુખેડમાં 75,888 હેક્ટરમાંથી 61,600 હેક્ટર પાક વિસ્તારને નુકસાન થયાનો દાવો કરવામાં આવ્યો છે. આ દરમિયાન પાલકમંત્રી અતુલ સાવે નાંદેડમાં દુકાળગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને પાકની સ્થિતિની પણ સમીક્ષા કરી રહ્યા છે.