Tue Oct 06 2026

Logo

ચોમાસાના વિક્ષેપો વચ્ચે માગ વધુ છતાં કોલસાની કોઈ અછત નથીઃ રેડ્ડી

2026-09-28 19:57:38
Author: Ramesh Gohil
ચોમાસાના વિક્ષેપો વચ્ચે માગ વધુ છતાં કોલસાની કોઈ અછત નથીઃ રેડ્ડી

કોલકતાઃ દેશમાં ચોમાસાને કારણે કોલસાના ખનનમાં થતાં વિક્ષેપો અને હાઈડ્રોપાવરનું ઉત્પાદન પણ ઓછું થવાની સામે થર્મલ પાવર માટે માગ વધુ રહી હોવા છતાં દેશમાં કોલસાની કોઈ અછતની સ્થિતિ ન હોવાનું કેન્દ્રીય પ્રધાન જી કિશન રેડ્ડીએ તાજેતરમાં જણાવ્યું હતું. 

અત્રે એસોચેમ દ્વારા આયોજિત એલ્યુમિનિયમ રોડ શૉ પશ્ચાત્‌‍ પત્રકાર વર્તુળોએ પાવર એકમોમાં કોલસાની અછત પ્રવર્તી રહી હોવાના અહેવાલો અંગે પૂછવામાં આવતા કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું કે દેશમાં કોલસાની કોઈ અછત નથી અમે રેક અને રોડ માર્ગે પુરવઠો પૂરો પાડી રહ્યા છીએ. 

વધુમાં તેમણે કહ્યું હતું કે હાઈડ્રોપાવર તરફથી ઉત્પાદનમાં ઘટાડો થવાથી થર્મલ પાવરની માગમાં 12થી 15 ટકાનો વધારો થયો છે અને ચોમાસાને કારણે ખનન પ્રવૃત્તિ વિક્ષેપિત થવા છતાં એકંદરે કોલસાની કોઈ અછત નથી સર્જાઈ, હા કામચલાઉ ધોરણે જો પુરવઠો વિક્ષેપિત થયો હોય તો તમે તેને અછત ન ગણી શકો. એકંદરે પરિસ્થિતિ રાબેતા મુજબ જળવાયેલી છે અને ચિંતાનું કોઈ કારણ ન હોવાનું તેમણે ઉમેર્યું હતું.