રાજકોટ: જિલ્લાના જેતપુર તાલુકાના વીરપુર અને પીઠડીયા ગામના ખેડૂતોએ GETCO ની વીજ ટાવર લાઇન સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. અંદાજે ૬૦ વર્ષ પહેલાં નાખવામાં આવેલા આ ટાવર્સનું આજદિન સુધી કોઈ પણ ખેડૂતને વળતર આપવામાં આવ્યું નથી, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
શું છે સમગ્ર મામલો
જેતપુર-મેવાસા લાઇન નંબર ૨ ની ૬૬ કેવી (KV) વીજ લાઇનનો કંડક્ટર (વાયર) સવારના સુમારે અચાનક તૂટી ગયો હતો. આ વાયરને રિપેર કરવા માટે GETCOના અધિકારીઓ અને ટેકનિકલ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જો કે, અગાઉથી જ રોષે ભરાયેલા ખેડૂતોએ ટીમને કામગીરી અટકાવી દીધી હતી, જેના કારણે ખેડૂતો અને GETCOના અધિકારીઓ વચ્ચે ઉગ્ર ચર્ચા અને બોલાચાલી થઈ હતી.

ખેડૂતોનું મુખ્ય કહેવું છે કે આ વીજ ટાવર અને લાઇન અંદાજે ૬૦ વર્ષ પહેલાં નાખવામાં આવ્યા હતા. આટલા વર્ષો વીતી જવા છતાં કોઈપણ ખેડૂતને જમીનનું વળતર આપવામાં આવ્યું નથી. તેમજ લાઇન રિન્યુ કરવા કે ખેડૂતોને વળતર ચૂકવવા બાબતે વિભાગ દ્વારા આજદિન સુધી કોઈ જ સકારાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે GETCO ની ટીમ અવારનવાર રિપેરિંગ માટે આવે છે પરંતુ ખેડૂતોની સમસ્યા સાંભળવા તૈયાર નથી.
જમીન અમારી માલિકીની છે, કોઈ GETCOની નહીં તેમ સ્પષ્ટ જણાવીને ખેડૂતોએ અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ખેડૂતોએ સ્થળ પર જ બેસીને ડુંગળી અને રોટલો ખાઈને સરકાર અને તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક ધોરણે યોગ્ય સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે અથવા નિયમોનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, નહીંતર આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.