Sat Sep 05 2026

Logo

ઓહ માય ગૉડ! જાણીને ચોંકી જશો...ભારતના આટલા ક્રિકેટરોએ બતાવેલી ઉંમરમાં ફરક આવતાં રમવા પર પ્રતિબંધ મુકાયો!

2026-09-04 16:40:37
Author: Ajay Motiwala
ઓહ માય ગૉડ! જાણીને ચોંકી જશો...ભારતના આટલા ક્રિકેટરોએ બતાવેલી ઉંમરમાં ફરક આવતાં રમવા પર પ્રતિબંધ મુકાયો!

PTI


કોલકાતાઃ હજી માંડ દોઢ મહિના પહેલાં શ્રીલંકાના પ્રવાસે જઈ આવેલા અન્ડર-19 લેગ સ્પિનર રોહિત યાદવ દ્વારા ઉંમર બતાવવામાં કથિત છેતરપિંડી થઈ હોવાનું જણાતાં તેના રમવા પર બે વર્ષનો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો એ શૉકિંગ સમાચાર બહાર આવ્યા જ છે, જાણે એ અપૂરતું હોય એમ અન્ય કેટલાક અહેવાલો પરથી જાણવા મળ્યું છે કે ક્રિકેટ અસોસિયેશન ઑફ બેન્ગાલ (CAB)એ બીજા 64 ખેલાડીની ઉંમરની બાબતમાં ફરક જોવા મળતાં તેમને તાબડતોબ સત્તાવાર ક્રિકેટ મૅચો રમવાની મનાઈ કરવામાં આવી છે.

ઉંમરમાં 27 મહિનાનો ફરક!

આ સનસનાટીભરી ખબરને લીધે ક્રિકેટ જગતમાં અત્યારે ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટની વધુ ચર્ચા થવા લાગી છે. ભારતની ઘરેલું સ્તરની ક્રિકેટ હચમચી ઊઠી છે. રોહિત યાદવ (ROHIT YADAV) બેન્ગાલ વતી વિવિધ વય-જૂથની ટૂર્નામેન્ટોમાં રમી ચૂક્યો છે. કહેવાય છે કે તેણે જે ઉંમર (AGE) બતાવી હતી અને તપાસ પછી તેની જે ઉંમર જાણવા મળી એ વચ્ચે 27 મહિનાનો ફરક જોવા મળ્યો છે. આ જાણકારી સીએબી તરફથી અપાઈ હોવાનું ક્રિકેટની એક ખૂબ જાણીતી વેબસાઇટ પર જણાવવામાં આવ્યું હતું.

બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) સાથે સંલગ્ન તમામ રાજ્ય અને કેન્દ્ર-શાસિત પ્રદેશોના અસોસિયેશનોને આ તમામ ખેલાડીઓના પ્રતિબંધને લગતી જાણકારી પહોંચાડી દેવામાં આવી છે.

IANS

કૌભાંડ કેવી રીતે બહાર આવ્યું?

ક્રિકેટ અસોસિયેશન ઑફ બેન્ગાલ (સીએબી)એ સીઝનની શરૂઆત પહેલાં સામાન્ય રીતે હાથ ધરવામાં આવતા ક્રિકેટરોના દસ્તાવેજોના અભિયાનની હજી તો શરૂઆત કરી ત્યાં અધિકારીઓને જાણવા મળ્યું કે મોટી સંખ્યામાં ખેલાડીઓની ઉંમરમાં ફરક જોવા મળ્યો છે.

રોહિત યાદવ ઑસ્ટ્રેલિયા નહીં જઈ શકે

આ મહિને ભારતના અન્ડર-19 ક્રિકેટરો પાંચ વન-ડે અને બે મલ્ટિ-ડે મૅચ રમવા ઑસ્ટ્રેલિયા જવાના છે. જોકે એ માટેની ટીમમાંથી રોહિત યાદવનું નામ કાઢી નાખવામાં આવ્યું છે. ઑસ્ટ્રેલિયા જનારી આ અન્ડર-19 ટીમમાં વીરેન્દર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગ અને રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડના પણ નામ છે.

વર્લ્ડ કપના ખેલાડીનું નામ પણ લિસ્ટમાં

પશ્ચિમ બંગાળનો લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન અને લેફ્ટ-આર્મ પેસ બોલર રવિ કુમાર 2022ના અન્ડર-19 વર્લ્ડ કપમાં બહુ સારું રમ્યો હતો. યશ ધુલના નેતૃત્વમાં ભારત એ વિશ્વ કપ જીત્યું હતું. ઇંગ્લૅન્ડ સામેની ફાઇનલમાં રવિ કુમારે 34 રનમાં ચાર વિકેટ લીધી હતી. તેના ચાર શિકારમાં ઓપનર જેકબ બેથેલ (બે રન) પણ સામેલ હતો. જોકે એ જ રવિ કુમારનું નામ બંગાળમાં ઉંમરના ફરકને લગતી તપાસમાં પ્રતિબંધ હેઠળ મૂકવામાં આવેલા ખેલાડીઓમાં છે. તે એ જ વર્ષમાં બંગાળની સિનિયર ટીમમાં સ્થાન મેળવ્યું હતું.

તમામ રેકૉર્ડ રદબાતલ થશે

રવિ કુમારના 2025-'26ની સીઝન સુધીના તમામ વય-જૂથના રેકૉર્ડ હવે રદબાતલ જાહેર કરવામાં આવશે. બીજી રીતે કહીએ તો તેની શરૂઆતની કરીઅરના આંકડા હવે ભૂંસાઈ જશે. એક વેબસાઇટના અહેવાલ મુજબ રવિ કુમારની વયને લગતી તપાસમાં 40 મહિનાનો ફરક જોવા મળ્યો છે.

સિસ્ટમ વિશે થોડું જાણી લઈએ...

સામાન્ય રીતે અન્ડર-19 સ્તરના ખેલાડીઓ માટેની ઉંમરની ચકાસણીની પ્રક્રિયામાં તેમના બર્થ સર્ટિફિકેટ, સ્કૂલ-કૉલેજના રેકૉર્ડ તેમ જ અન્ય જરૂરી દસ્તાવેજો તપાસવામાં આવે છે. જોકે કોઈ ખેલાડીએ ખોટા સર્ટિફિકેટ પૂરા પાડ્યા હોય અને (તપાસ પ્રક્રિયામાં કચાશને કારણે) જુનિયર સ્તરે રમવાનો મોકો લઈ લીધો હોય એવા કિસ્સા હવે મોટા પ્રમાણમાં બહાર આવી રહ્યા છે. 2020માં બીસીસીઆઇએ ઍમ્નેસ્ટી સ્કિમ બહાર પાડી હતી જેમાં ખેલાડીઓને પોતે આપેલા દસ્તાવેજોમાં વિસંગતતા હોવાનું સામે ચાલીને જણાવવાનું કહેવામાં આવ્યું હતું. આ યોજનામાં સહકાર આપનાર ખેલાડીઓને સસ્પેન્ડ નહોતા કરવામાં આવ્યા, પરંતુ નિયમોનો ભંગ કરનારાઓ સામે પગલાં લેવામાં આવ્યા હતા.