મુંબઈઃ મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લામાં મોટા પાયે કેમિકલવાળું દૂધ વેચવાના ધંધાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ ઓથોરિટી (એફડીએ)એ એક સંયુક્ત કાર્યવાહીમાં જિલ્લાના ભૂમ તાલુકામાં ચાલી રહેલા ગેરકાયદે કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મળી રહેલા આંકડાઓ ચોંકાવનારા હતા. આ પહેલા દહીસરમાં છાપો મારીને 470 લીટર દૂધનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
આરોપીઓ પાસેથી જપ્ત કરાયેલા વેચાણ રજિસ્ટરની તપાસમાં જાણવા મળ્યું હતું કે છેલ્લા છ મહિનાઓમાં લગભગ 2,30,470 કિલોગ્રામ હલકી ગુણવત્તાવાળા દૂધનો પાવડર ભેળસેળ માટે ઉપયોગમાં લેવાયો હતો. મોટા પ્રમાણમાં દૂધના પાવડરનો ઉપયોગ કરીને લગભગ 23,04,070 લીટર સિન્થેટિક દૂધ તૈયાર કરવામાં આવ્યું હતું, જેને આશરે કિંમત 9 કરોડ 21 લાખ 62 હજાર 800 રૂપિયા જણાવવામાં આવી હતી.
સૌથી ચિંતાજનક વાત એ છે કે આરોપીઓએ દર 100 લીટર શુદ્ધ દૂધમાં 10 લીટર સિન્થેટિક દૂધ ભેવ્યું હતું, આ 10 ટકા ગુણોત્તરના આધારે અધિકારીઓ 2.3 કરોડ લીટરથી વધારે ભેળસેળવાળા દૂધ ભૂમ તાલુકાના દૂધસંગ્રહ કેન્દ્રોથી મહારાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં સપ્લાઈ થતા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કેસ કર્યાના આઠ દિવસ પછી આરોપી ફરાર
સિન્થેટિક દૂધ સેમટુસેમ દૂધ જેવું બતાવવા અને જરૂરી ફેટલેવલ જાળવી રાખવા માટે આરોપીઓએ કથિત રીતે ડિટર્જન્ટ પાવડર, પામ ઓઇલ અને હલકી ગુણવત્તાવાળા કેમિકલ પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ખૂબ જ સંવેદનશીલ મામલામાં પોલીસે 7 વ્યક્તિઓ વિરુદ્ધ કડક કલમમાં મામલો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, આ મુદ્દે કેસ દાખલ કર્યાના 8 દિવસ પછી પણ દરેક આરોપીઓ ફરાર છે.
આરોગ્ય માટે કેમ છે જોખમી?
એક પોલીસ ઈન્સ્પેક્ટરના નેતૃત્વમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે, જે ફરાર ભેળસેળ કરનારાઓની તપાસમાં સતત શંકાસ્પદ સ્થળોએ છાપામારી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ડિટરજન્ટ અને પામ ઓઇલયુક્ત આ કેમિકલ મિશ્રિત દૂધના સતત વપરાશથી લીવર, કિડની અને પાચન તંત્રને સંપૂર્ણપણે નુકશાન પહોંચાડી શકે છે, જે બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ખાદ્ય સુરક્ષા અધિનિયમ અંતર્ગત આવા જીવલેણ દૂધ ભેળસેળમાં દોષીઓને 10 લાખ રૂપિયા સુધીનો દંડ અને આજીવન કારાવાસની સજા થઈ શકે છે.