Wed Jul 15 2026

Logo

PM મોદીના કહેવાથી પરમાણુ ખતરો ટળ્યો! પોલેન્ડના મંત્રીનો મોટો દાવો, કહ્યું- 'પુતિને માની હતી તેમની વાત'

2026-07-15 14:44:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: પોલેન્ડના નાયબ વિદેશ મંત્રી વ્લાદિસ્લાવ ટેઓફિલ બાર્ટોશેવ્સ્કીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજદ્વારી ભૂમિકાની ખુલ્લેઆમ પ્રશંસા કરતા મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન ૨૦૨૨ના અંતમાં જ્યારે રશિયા દ્વારા યુક્રેનમાં વ્યૂહાત્મક (ટેક્ટિકલ) પરમાણુ શસ્ત્રોના ઉપયોગની આશંકા હતી, ત્યારે વડાપ્રધાન મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને આવું પગલું ભરતા રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે ઉમેર્યું કે દુનિયાના પસંદગીના નેતાઓમાં પીએમ મોદી એક એવા નેતા છે, જેમની વાત પુતિન ગંભીરતાથી સાંભળે છે.

ભારત-રશિયાના જૂના સંબંધોની અસર

ભારત-પોલેન્ડ સંયુક્ત આર્થિક આયોગની બેઠક બાદ નવી દિલ્હીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં બાર્ટોશેવ્સ્કીએ જણાવ્યું હતું કે ભારત અને રશિયા (અગાઉ સોવિયત સંઘ) વચ્ચે દાયકાઓ જૂના વ્યૂહાત્મક સંબંધો છે. આ જ કારણે રાષ્ટ્રપતિ પુતિન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહને મહત્વ આપે છે. તેમણે કહ્યું કે પીએમ મોદી એક સન્માનિત વૈશ્વિક નેતા છે અને તેમની વાતની આંતરરાષ્ટ્રીય સ્તરે અસર થાય છે.

'આજનો યુગ યુદ્ધનો નથી'

બાર્ટોશેવ્સ્કીના નિવેદન બાદ ફરી એકવાર સપ્ટેમ્બર ૨૦૨૨ની એ મુલાકાત ચર્ચામાં આવી ગઈ છે, જ્યારે ઉઝબેકિસ્તાનમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન મોદીએ પુતિનને કહ્યું હતું કે, 'આજનો યુગ યુદ્ધનો નથી.' આ નિવેદનની તે સમયે વિશ્વભરમાં ખૂબ ચર્ચા થઈ હતી.

ભારતે હંમેશા વાતચીત પર આપ્યો ભાર

રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી ભારત સતત વાતચીત અને રાજદ્વારી માધ્યમો દ્વારા જ ઉકેલ લાવવાની વાત કરતું રહ્યું છે. ભારતે રશિયા પર પશ્ચિમી દેશોના પ્રતિબંધોમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો અને બંને પક્ષો સાથે પોતાના સંબંધો જાળવી રાખ્યા હતા. વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી, બંને સાથે સતત વાતચીત કરી છે. તેઓ ૨૦૨૪માં કિવ પણ ગયા હતા અને અનેક આંતરરાષ્ટ્રીય મંચો પર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી.

રશિયા પાસેથી તેલ ખરીદી પર ભારત કાયમ રહ્યું

અમેરિકા અને યુરોપિયન દેશોના દબાણ છતાં ભારતે રાહત દરે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ (કાચા તેલ)ની ખરીદી ચાલુ રાખી. ભારતનું કહેવું છે કે આ નિર્ણય દેશની ઉર્જા સુરક્ષા અને રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. બીજી તરફ, ગયા મહિને રાષ્ટ્રપતિ પુતિને ભારતને 'મહાન દેશ' ગણાવીને તેની સ્વતંત્ર વિદેશ નીતિની પ્રશંસા પણ કરી હતી.

ઈરાનને લઈને પણ ભારતની નીતિના વખાણ

બાર્ટોશેવ્સ્કીએ ઈરાનને લઈને ભારતના વલણની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે ભારતે તણાવ ઓછો કરવા, વાતચીત અને રાજદ્વારી ઉકેલનું સમર્થન કર્યું છે. તેમણે જણાવ્યું કે પોલેન્ડ પણ ઈરાન સાથે સંપર્ક જાળવી રાખે છે અને તે પણ વાતચીત દ્વારા ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમના મતે, આ બાબતમાં પોલેન્ડ અને ભારતની વિચારસરણી ઘણી હદ સુધી એક સમાન છે.