Wed Jul 15 2026

Logo

સુરતના વેપારીઓ માટે સરકારનું મોટું રાહત પેકેજ: જાણો કોને કેટલી મળશે સહાય

2026-07-15 14:08:00
Author: Mayur Patel
Article Image

ગાંધીનગરઃ સુરતમાં થોડા દિવસ પહેલા ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદથી વેપારીઓને કરોડોનું નુકસાન થયું હતું. વરસાદથી થયેલા નુકસાન માટે રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું હતું. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પેકેજની જાહેરાત કરી હતી.

નુકસાનમાંથી બેઠા થવા માટે સરકાર સીધી રોકડી મદદ કરશે, જેમણે GST રિટર્ન ભર્યું હશે તેમને આ લાભ મળશે.  જે મુજબ લારી અને રેકડી ધારકોને રૂ.  7500, નાના કેબિન ધારકોને રૂ. 25,000, 50 ફૂટથી વધુ મોટી દુકાન ધરાવતાં દુકાનદારોને રૂ. 50,000 તથા પાકી દુકાન ધરાવતા વેપારીઓને રૂપિયા 1,00,000ની સહાય કરવામાં આવશે.

આ ઉપરાંત ધંધો ફરી શરૂ કરવા માટે લોન અને વ્યાજમાં મોટી રાહતની જાહેરાત કરવામાં આવી હતી. વેપારીઓ નવી લોન લઈ શકે તે માટે સરકાર આગામી 3 વર્ષ સુધી 7% વ્યાજ સહાય પોતે ભોગવશે. જે મુજબ રૂ. 7 લાખ સુધીનું ટર્નઓવર હોય તો રૂ. 20 લાખની લોન મળશે, જેમાં રૂ. 5 લાખ સુધીની વ્યાજ સહાય કરાશે. જો રૂ  7.5 લાખનું ટર્નઓવર હોય તો રૂ. 25 લાખની લોન મળશે  અને રૂ. 8 લાખ સુધીની વ્યાજ સહાય મળશે. ઉપરાંત જે વેપારીઓનું રૂ. 7.5 લાખથી વધુનું ટર્નઓવર હોય તેમને રૂ. 30 લાખની લોન મળશે, જેમાં રૂ. 10 લાખ સુધીની વ્યાજ સહાય મળશે.

તેમજ જેમના ઘર, દુકાન કે વેપારના સ્થળે પાણી ભરાયા છે, તેમને એક વર્ષ માટે વેરામાંથી મુક્તિ આપવામાં આવશે. આ માટે વેપારીઓએ પાણી ભરાયા હોવાના વીડિયો અથવા ફોટોગ્રાફ્સ પુરાવા તરીકે બતાવવાના રહેશે. આ અંગે કલેક્ટર ટૂંક સમયમાં ગાઇડલાઇન બહાર પાડશે. આ રાહત પેકેજના કારણે રાજ્ય સરકારની તિજોરી પર આગામી 3 વર્ષમાં રૂ. 550 કરોડનું વધારાનું ભારણ આવશે.

હર્ષ સંઘવીએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં 19 હજાર નાગરિકોને કેશડોલ ચૂકવી દેવામાં આવી છે, જ્યારે નોકરી-ધંધે ન જઈ શકનારા 36 હજાર લોકોને પણ આર્થિક મદદ પહોંચાડવામાં આવી છે.