Wed Jul 15 2026

Logo

થાણેમાં હૉર્ડિંગ પડવાની પાલિકાએ લીધી ગંભીર નોંધ પરવાનગી રદ, સંબંધિત સંસ્થા અને સ્ટ્રક્ચરલ એન્જિનિયર સામે કેસ

2026-07-15 09:28:00
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણેમાં વર્તક નગરમાં બ્રિજ પરથી નીચે પસાર થઈ રહેલા સ્કૂટર સવાર પર જાહેરખબરનું હૉર્ડિંગ પડવાની દુર્ઘટનાની થાણે પાલિકાએ ગંભીર રીતે દખલ લીધી છે.  તાત્કાલિક ધોરણે હૉર્ડિંગ બોર્ડની પરવાનગી રદ કરી નાખી છે અને સંબંધિત જાહેરાત કંપની અને સ્ટ્રક્ચરલ એન્જિનિયર સામે કેસ નોંધવામાં આવ્યો છે.

સોમવાર છ જુલાઈના  સવારે સાત વાગ્યે વર્તક નગરમાં સુભાષ નગર વિસ્તારમાં  ઓસ્વાલ પાર્કમાં રોડ ડિવાઇડર પાસે બાંધવામાં આવેલું એક  કેન્ટિલીવર પ્રકારનું જાહેરાત બોર્ડ તૂટી પડ્યું. આ ઘટનાની ગંભીર નોંધ લેતા થાણે પાલિકાએ  સંબંધિત જાહેરાત બોર્ડની પરવાનગી રદ કરી છે અને જાહેરાત સંસ્થા અને સંબંધિત સ્ટ્રક્ચરલ એન્જિનિયર સામે કેસ નોંધવામાં આવ્યો છે. ઉપરોક્ત જાહેરાત બોર્ડ  એમ. રોનક ઍડ. સંસ્થાનું સત્તાવાર જાહેરાત બોર્ડ હતું.

 થાણે પાલિકાની સ્ક્વેર બ્યુટીફિકેશન યોજના હેઠળ વિવિધ ચોરસના બ્યુટીફિકેશનના બદલામાં સંબંધિત સંસ્થાને આ જાહેરાત બોર્ડ લગાવવાની પરવાનગી આપવામાં આવી હતી. નોંધનીય છે કે સંબંધિત સંસ્થાએ છ જૂન, ૨૦૨૬ ના રોજ પાલિકાને  બિલબોર્ડનું અપડેટેડ સ્ટ્રક્ચરલ ઓડિટ સબમિટ કર્યું હતું અને પાલિકા પ્રશાસન  પાસે સક્ષમ સ્ટ્રક્ચરલ એન્જિનિયર દ્વારા જારી કરાયેલ ‘સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ’ સબમિટ કર્યું હતું. બિલબોર્ડ તૂટી પડતાં મહાનગરપાલિકાએ આ બાબતની ગંભીર નોંધ લીધી છે અને તપાસ શરૂ કરી છે.
 
સદ્નસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે નાણાકીય નુકસાન થયું નહોતું. તેથી મોટી દુર્ઘટના ટળી હતી. જોકે નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાએ તાત્કાલિક અને કડક પગલાં લીધાં છે. આ દરમ્યાન આ ઘટનાને પગલે પાલિકાએ શહેરના તમામ અધિકૃત બિલબોર્ડનું ખાસ ઈન્સ્પેકશન કરવાનુંં અભિયાન હાથ ધર્યું હતું, જેમાં  બે જગ્યાએ બિલબોર્ડ જોખમી સ્થિતિમાં હોવાનું જણાઈ આવ્યું હતું. સંભવિત અકસ્માતોના જોખમને ટાળવા માટે સંબંધિત બોર્ડ પરની જાહેરાતો તાત્કાલિક દૂર કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરના તમામ જાહેરાત લાઇસન્સધારકોને તેમના બિલબોર્ડની માળખાકીય મજબૂતાઈ તપાસવા ચોમાસા દરમ્યાન જરૂરિયાત મુજબ જાહેરાતો દૂર કરવા અને ઇલેક્ટ્રિકલ લાઇટિંગ અને વાયરિંગની સલામતી સુનિશ્ર્ચિત કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે. પાલિકાએ  એવી પણ ચેતવણી આપી છે કે શહેરના તમામ બિલબોર્ડનું નિયમિત નિરીક્ષણ કરીને નિયમોનું ઉલ્લંઘન કરતી જાહેરાત એજન્સીઓ સામે કડક વહીવટી અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.