બોલીવૂડના દિગ્ગજ કલાકાર અનુપમ ખેર અને દિવંગત અભિનેતા સતીશ કૌશિકની મિત્રતા બોલિવૂડમાં ખૂબ જ જાણીતી હતી. પોતાના સ્વર્ગસ્થ મિત્રના પરિવારને અનુપમ ખેર આજે પણ પોતાના પરિવારની જેમ સાચવે છે, ખાસ કરીને સતીશ કૌશિકની પુત્રી વંશિકાને તેઓ પોતાની પુત્રી માને છે. આજે વંશિકાનો જન્મદિવસ છે, ત્યારે અનુપમ ખેરે એક ભાવુક પોસ્ટ લખીને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે અને તેના 'કન્યાદાન'ની ઈચ્છા પણ વ્યક્ત કરી છે.
સતિષ કૌશિક અને અનુપમ ખેરની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD)ના દિવસોથી શરૂ થયેલી આ મિત્રતા સતીશ કૌશિકના નિધન સુધી અકબંધ રહી હતી. 2023માં જ્યારે સતીશ કૌશિકનું અવસાન થયું, ત્યારે અનુપમ ખેર માટે તે ખૂબ જ મોટો આઘાત હતો. આજે સતિષ કૌશિકની દીકરી વંશિકાના જન્મદિવસ પર અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર સતીશ કૌશિક અને વંશિકા સાથેના અનેક ફોટો શેર કર્યા છે.
સોશિયલ મીડિયા પર ફોટો સાથે અનુપમ ખેરે એક લાંબી અને હૃદયસ્પર્શી પોસ્ટ લખી છે. તેમણે લખ્યું હતું કે હેપ્પી બર્થડે મારી વહાલી વંશિકા બેટા. ભગવાન તને દુનિયાની તમામ ખુશીઓ, લાંબુ અને સ્વસ્થ જીવન આપે અને તારા દરેક સપના પૂરા કરવાની શક્તિ આપે.
અનુપમ ખેરે આગળ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે તું મારી દીકરી છે. જ્યારે સતીશ આપણી સાથે હતા, ત્યારે પણ હું તને મારી દીકરી અને મિત્ર માનતો હતો. કેટલાક સંબંધો લોહીના નથી હોતા, પણ પ્રેમ અને ભરોસાના હોય છે. મારું તારી સાથેનું સંબંધ કંઈક એવું જ છે. હું તારી રક્ષા અને સપોર્ટ માટે હંમેશા હાજર રહીશ.
પોસ્ટમાં અનુપમ ખેરે એક ખૂબ જ ભાવુક વાત કહી હતી કે કોણ જાણે... એક દિવસ, ઘણા વર્ષો પછી, જ્યારે તું લગ્ન કરવાનું નક્કી કરીશ, ત્યારે કદાચ મને તારું કન્યાદાન કરવાનું સૌભાગ્ય મળે. હું જાણું છું કે એ દિવસ હજુ દૂર છે, પણ આ વિચાર જ મારા દિલને ખુશીથી ભરી દે છે. હું તને પ્રેમ કરું છું બેટા. મને ખાતરી છે કે તારા પપ્પા અને મારા શ્રેષ્ઠ મિત્ર સતીશ ઉપરથી તને જોઈને ચોક્કસ મુસ્કુરાતા હશે. વંશિકાએ પણ આ પોસ્ટ પર 'થેન્ક યુ' કહીને પ્રતિક્રિયા આપી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અનુપમ ખેર અત્યારે તેમની આગામી ફિલ્મ 'શ્રી રામભૂમિ' ને લઈને ચર્ચામાં છે, જેમાં તેઓ અશોક સિંઘલનું પાત્ર ભજવશે. આ ફિલ્મ માટે તેમનો ફર્સ્ટ લુક પણ રિલીઝ થઈ ચૂક્યો છે, જેના વિશે અભિનેતાએ કહ્યું હતું કે આ પાત્ર ભજવવું તેમના માટે એક મોટી જવાબદારી સમાન છે.