Wed Jul 15 2026

Logo

નાણાકીય વર્ષ 2027ના પહેલા ત્રિમાસિકગાળામાં 12.73 લાખ પેસેન્જર વાહનોની વિક્રમી રવાનગી

2026-07-15 20:30:52
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ વર્તમાન નાણાકીય વર્ષ 2026-27ના પહેલા ત્રિમાસિકગાળામાં પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ હોવાના પડકારો છતાં સ્થાનિક માગ મજબૂત રહેતાં પેસેન્જર વાહનોની રવાનગી ગત સાલના સમાનગાળાના 10,11,884 યુનિટ સામે 25.9 ટકા વધીને 12,73,811 યુનિટની વિક્રમ સપાટીએ રહી હોવાનું સોસાયટી ઑફ ઈન્ડિયન ઑટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (સિઆમ)એ એક યાદીમાં જણાવવ્યું છે. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વે ગત નાણાકીય વર્ષ 2024-25માં 10.3 લાખ ટન યુનિટની વિક્રમ રવાનગી થઈ હતી.
 
સિઆમની આંકડાકીય માહિતી અનુસાર વર્તમાન નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકગાળામાં દ્વિચક્રી વાહનોની રવાનગી ગત સાલના સમાનગાળાના 46,77,990 યુનિટ સામે 20.3 ટકા વધીને 56,28,675 યુનિટની સપાટીએ, ત્રિચક્રી વાહનોની રવાનગી પણ ગત સાલના સમાનગાળાના 1,65,211 યુનિટ સામે 29.7 ટકા વધીને વિક્રમ 2,14,339 યુનિટની સપાટીએ રહી હતી. તેમ જ વેપારી વાહનોનું વેચાણ પણ વર્ષાનુવર્ષ ધોરણે 18.3 ટકા વધીને 2.65 લાખ યુનિટની વિક્રમ સપાટીએ રહ્યું હતું. 

એકંદરે વર્ષ 2026-27ના પહેલા ત્રિમાસિકગાળામાં પશ્ચિમ એશિયાની કટોકટી હોવા છતાં સ્થાનિક મજબૂત માગ, અગાઉ જીએસટીના દરમાં કરવામાં આવેલા ઘટાડા અને ફાઈનાન્સ માટેનાં હળવા વ્યાજદર, ગત સાલનો નીચો બેઝ અને નવાં મૉડૅલોની રજૂઆતને કારણે વેચાણ વૃદ્ધિને ટેકો મળ્યો હોવાનું સિઆમના પ્રમુખ શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું. 

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે હાલમાં એકંદર ગ્રાહકોનું વલણ અને માગ સ્થિર છે તેમ છતાં ઉદ્યોગની નજર મધ્ય પૂર્વની ભૂરાજકીય સ્થિતિ અને ચોમાસાની પ્રગતિ પર કેન્દ્રિત છે. કેમ કે કૃષિ ઉત્પાદન અને ગ્રામીણ વિસ્તારોની ઑટો માગ પર બહોળી અસર થતી હોય છે. 

સિઆમની આંકડાકીય માહિતી અનુસાર ગત જૂન મહિનામાં સ્થનિિક સ્તરે પેસેન્જર વાહનોની કંપનીથી ડીલરોને રવાનગી ગત સાલના સમાનગાળાના 3,12,851 યુનિટ સામે 24.1 ટકા વધીને 3,88,144 યુનિટના સ્તરે, દ્વિચક્રી વાહનોની રવાનગી વર્ષાનુવર્ષ ધોરણે 18.6 ટકા વધીને 18,51,400 યુનિટ (15,61,283 યુનિટ) અને ત્રિચક્રી વાહનોની રવાનગી 26.1 ટકા વધીને 77,951 યુનિટ (61,828 યુનિટ)ની સપાટીએ રહ્યું હોવાનું યાદીમાં ઉમેર્યું હતું.