Wed Jul 15 2026

Logo

ડૉલર સામે રૂપિયો વધુ નવ પૈસા નરમ

2026-07-15 20:41:07
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
પશ્ચિમ એશિયાના ભૂરાજકીય તણાવમાં થયેલા વધારાની સાથે ક્રૂડતેલના ભાવ વધી આવતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ નવ પૈસાના ઘટાડા સાથે 96.25ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી સાધારણ નરમાઈનું વલણ રહ્યું હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 96.16ના બંધ સામે સાધારણ સુધારાના અન્ડરટોને 96.12ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ઉપરમાં 95.04 અને નીચામાં 96.35 સુધી ગબડ્યાં બાદ અંતે ગઈકાલના બંધ સામે નવ પૈસા ઘટીને 96.25ની સપાટીએ બંધ રહ્યો હતો. 

અમેરિકી લશ્કરે પુનઃ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ પર નાકાબંધી કરવાની સાથે ઈરાને આજે સવારે હુમલાઓ ઉગ્ર કર્યા હતા. તેમ જ ઈરાનની લશ્કરી છાવણીઓ પર હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં સાત સૈનિક માર્યા ગયા હતા અને દેશભરમાં 260 લોકો ઘાયલ થયા હતા. આમ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પર નિયંત્રણના મુદ્દે બન્ને દેશો નિર્ણાયક યુદ્ધ પર ઉતર્યા હોવાથી વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવ વધી આવતા રૂપિયામાં સુધારો અવરોધાઈ રહ્યો હોવાનું ફિનરેક્સ ટ્રેઝરી એડ્વાઈઝર્સનાં ટ્રેઝરી હેડ અને એક્ઝિક્યુટીવ ડિરેક્ટર અનિલ કુમાર ભણસાળીએ જણાવતાં ઉમેર્યું હતું કે પશ્ચિમ એશિયાના વધેલા ભૂરાજકીય તણાવને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ રહેતાં 95.80થી 96.50ની રેન્જમાં રહે તેવી શક્યતા નકારી ન શકાય. 

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.14 ટકા ઘટીને 100.78 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ સ્થાનિક સ્તરે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 130.49 પૉઈન્ટનો અને 26.45 પૉઈન્ટનો સુધારો આવ્યો હોવા છતાં આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.47 ટકા વધીને બેરલદીઠ 85.13 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 739.69 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયો વધુ ગબડ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.