કૅનેડા ઠેકાણે આવી રહ્યું છે ત્યાં હવે ફ્રાન્સને આઇસીસીએ મોકલી નોટિસ!
એડિનબર્ગઃ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ અહીં વીકએન્ડમાં આયોજિત વાર્ષિક પરિષદમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો લીધા જેમાંનો એક નિર્ણય એ હતો કે મોરિશ્યસ (Mauritius)ને આઇસીસીનું 111મું મેમ્બર-રાષ્ટ્ર બનાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મોરિશ્યસની વર્તમાન ટીમમાં વિનેશભાઈ પટેલ નામના ગુજરાતી ખેલાડી સહિત ભારતીય મૂળના કુલ ચાર ખેલાડી છે.
જય શાહના અધ્યક્ષસ્થાન હેઠળની આઇસીસીએ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટ બોર્ડને પોતાના ટાપુઓમાં ક્રિકેટના વિકાસ સંબંધમાં 1.28 કરોડ ડૉલર (અંદાજે 123 કરોડ રૂપિયા)ની લોન મંજૂર કરી છે.
કૅનેડાના ક્રિકેટ બોર્ડે આઇસીસીની મેમ્બરશિપને લગતા કેટલાક નિયમોનો ભંગ કર્યો એ બદલ એ બોર્ડને જૂનમાં સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. આઇસીસીએ એ સસ્પેન્શન જાળવી રાખ્યું છે, પણ આઇસીસીએ પોતાની અમુક જરૂરિયાતો પૂરી કરવામાં આવે તો બોર્ડની કેટલીક શરતો મંજૂર કરવાની તૈયારી બતાવી છે. શ્રીલંકન બોર્ડને પણ આઇસીસીએ વહેલાસર ચૂંટણી રાખવાની સૂચના આપી છે.
ફ્રાન્સના ક્રિકેટ બોર્ડે આઇસીસીની મેમ્બરશિપને લગતા કેટલાક માપદંડનો ભંગ કર્યો હોવાથી આઇસીસીએ (નવી કોઈ પણ છૂટછાટ જાહેર કરવાનું ટાળીને) આ દેશના ક્રિકેટ બોર્ડને નોટિસ પિરિયડ પર રાખ્યું છે.