મુંબઈ: ભારતીય પ્રવાસીઓમાં ઓમાનની લોકપ્રિયતામાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2025માં ઓમાનમાં 6.94 લાખ ભારતીય પ્રવાસીઓ પહોંચ્યા હતા, જે 2024ની સરખામણીએ 11 ટકા વધુ છે, એમ ઓમાનના હેરિટેજ અને ટૂરિઝમ મંત્રાલયે જણાવ્યું હતું. જાન્યુઆરીથી જૂન 2026 દરમિયાન જ 3.81 લાખ ભારતીય પ્રવાસી ઓમાન પહોંચ્યા છે. આ વધતી સંખ્યા ભારત અને ઓમાન વચ્ચેના ઐતિહાસિક વેપાર, સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને લોકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવી રહી છે.
ઓમાનના હેરિટેજ અને ટૂરિઝમ મંત્રાલયના સહાયક નિર્દેશક યુસુફ ખલાફ અલ મુજૈઝીના જણાવ્યા અનુસાર ભારત અને ઓમાન વચ્ચે સદીઓ જૂના દરિયાઈ વેપાર સંબંધો છે, જેમાં મસાલા, કાપડ અને અન્ય ચીજવસ્તુઓનો વેપાર સામેલ હતો.
હવે આ ઐતિહાસિક સંબંધો પ્રવાસન ક્ષેત્રમાં વધુ સંગઠિત અને વ્યાવસાયિક ભાગીદારીમાં પરિવર્તિત થઈ રહ્યા છે. ઓમાન ભારતીય પ્રવાસીઓને પ્રોત્સાહન આપવા માટે ભારતીય ટ્રાવેલ ટ્રેડ, એરલાઈન્સ, મીડિયા અને અન્ય ઉદ્યોગ ક્ષેત્રો સાથે વધુ પ્રવાસન સંબંધિત કાર્યક્રમો યોજવાની યોજના બનાવી રહ્યું છે.
ભારતીય પ્રવાસીઓની વધતી સંખ્યાનું એક મોટું કારણ ઓમાનની સરળ એર કનેક્ટિવિટી પણ છે. ભારતના 10થી વધુ શહેરોથી મસ્કત માટે સીધી ફ્લાઈટ સેવાઓ ઉપલબ્ધ છે, જ્યારે સલાલા માટે પણ હવાઈ જોડાણ વધારવામાં આવી રહ્યું છે. પ્રકૃતિ, સંસ્કૃતિ, સાહસ, લક્ઝરી અને ઓથેન્ટિક હોસ્પિટાલિટીનું મિશ્રણ ઓમાનને ભારતીય પ્રવાસીઓ માટે આકર્ષક બનાવી રહ્યું છે.
હવે ભારતીય પ્રવાસીઓ માત્ર પરંપરાગત હોલિડે સુધી મર્યાદિત નથી રહ્યા, પરંતુ ફેમિલી હોલિડે, પ્રીમિયમ ટ્રાવેલ, એડવેન્ચર, નેચર ટૂરિઝમ, ડેસ્ટિનેશન વેડિંગ અને એમઆઈસીઈ એટલે કે મીટિંગ્સ, ઈન્સેન્ટિવ્સ, કોન્ફરન્સ અને એક્ઝિબિશન્સમાં પણ રસ દાખવી રહ્યા છે.
ઓમાન હવે ભારતીય પ્રવાસીઓના રોકાણનો સમય વધારવા અને મસ્કત તથા સલાલા ઉપરાંત અન્ય નવા વિસ્તારો તરફ પ્રવાસીઓને આકર્ષવા પર ધ્યાન આપી રહ્યું છે. ભારતીય ટૂર ઓપરેટર્સ અને ટ્રાવેલ એડવાઈઝર્સને ઓમાનના વિવિધ પ્રવાસન સ્થળો અને પ્રોડક્ટ્સ અંગે વધુ માહિતી આપવી પણ પ્રાથમિકતા છે, કારણ કે ફેમિલી અને પ્રીમિયમ ટ્રાવેલના નિર્ણયોમાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ છે. ઓમાન માટે ભારત એક વ્યૂહાત્મક પ્રવાસીઓનું બજાર છે અને હાલની વૃદ્ધિ આગામી વર્ષોમાં વધુ લાંબા ગાળાની ગુણવત્તા ધરાવતી ભાગીદારીમાં બદલાય તેવી અપેક્ષા છે.
ઓમાનમાં પ્રવાસીઓ માટે આધુનિકતા સાથે સમૃદ્ધ ઈતિહાસ અને કુદરતી સૌંદર્યનો અનોખો અનુભવ ઉપલબ્ધ છે. રાજધાની મસ્કતમાં ભવ્ય સુલતાન કાબૂસ ગ્રાન્ડ મસ્જિદ અને મુતરાહ સુક એ ઓમાન દેશના પાટનગર મસ્કતમાં આવેલું એક ખૂબ જ પ્રખ્યાત અને ઐતિહાસિક પરંપરાગત બજાર મુખ્ય આકર્ષણો છે.
નીઝવા ફોર્ટ, સ્વચ્છ પાણી, વહિબા સેન્ડ્સના રેતીના વિશાળ રણપ્રદેશમાં ઊંટ સફારી અને 4x4 રાઈડ્સ પ્રવાસીઓને એક અદભુત અનુભવ કરાવે છે. આ ઉપરાંત, જેબલ શમ્સના નાટકીય કેન્યન દૃશ્યો, સલાલાની ચોમાસા દરમિયાનની હરિયાળી અને બિમ્માહ સિંકહોલનું અદભૂત કુદરતી સૌંદર્ય પણ ભારતીય પ્રવાસીઓ માટે ઓમાનને વધુ આકર્ષક બનાવી રહ્યું છે.