અમેરિકાએ ત્રણ ઈરાની ઓઈલ ટેન્કરો પર હુમલો કર્યો છે અને તેનો વીડિયો પણ જારી કર્યો છે. અમેરિકાની કાર્યવાહી બાદ હવે ઈરાને પણ જવાબી કાર્યવાહી કરતા એક અમેરિકન એરક્રાફ્ટ કેરિયર અને એક ડિસ્ટ્રોયર પર અનેક બેલિસ્ટિક મિસાઇલો દાગી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે સતત સંઘર્ષની સ્થિતિ છે. ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ની એરોસ્પેસ ફોર્સે દાવો કર્યો કે તેણે અમેરિકાના એક એરક્રાફ્ટ કેરિયર અને એક ડિસ્ટ્રોયર પર બેલિસ્ટિક મિસાઇલો છોડી. IRGC નો આક્ષેપ છે કે આ બંને યુદ્ધ જહાજો ઈરાની જહાજોને નુકસાન પહોંચાડવાના પ્રયત્નો કરી રહ્યા હતા અને ઇસ્લામિક રિપબ્લિક સામેની નૌકાદળની નાકાબંધીમાં સામેલ હતા.
ઈરાનનો મિસાઇલથી હુમલો
આ ઘટના અંગે ઈરાનના સરકારી બ્રોડકાસ્ટર 'ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન બ્રોડકાસ્ટિંગ' (IRIB) ના એક અહેવાલ મુજબ, IRGCએ જણાવ્યું કે ઈરાની જહાજો સામે સતત થઈ રહેલી આક્રમક કાર્યવાહી વચ્ચે અમેરિકી નૌકાદળના આ બે જહાજોને નિશાન બનાવવામાં આવ્યા. IRIBના અહેવાલ અનુસાર, "ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સની એરોસ્પેસ ફોર્સે બાળકોની હત્યા કરનારી અમેરિકી સેનાના એરક્રાફ્ટ કેરિયર અને ડિસ્ટ્રોયર પર અનેક બેલિસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો. નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, "નુકસાન થવાના અને વધુ એક હુમલાના ડરથી બંને યુદ્ધ જહાજોને સંઘર્ષ ક્ષેત્રમાંથી ભાગી જવાની ફરજ પડી હતી."
અમેરિકી હુમલા પછી જવાબી કાર્યવાહી
આ દાવો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે ઈરાની ઓઈલ ટેન્કરો પર અમેરિકી હુમલાઓ અને ત્યારબાદ અમેરિકા સાથે જોડાયેલા જહાજો પર ઈરાની હુમલાઓના કારણે આ ક્ષેત્રમાં ફરીથી લશ્કરી તણાવ વધી ગયો છે. આ પહેલાં, IRGC ના નૌકાદળે જણાવ્યું હતું કે તેણે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' માં "બિનઅધિકૃત માર્ગ" (Unauthorized routes)થી પસાર થઈ રહેલા ત્રણ ઓઈલ ટેન્કરો અને અન્ય વિસ્તારોમાં અમેરિકા સાથે જોડાયેલા ત્રણ જહાજોને નિશાન બનાવ્યા હતા. IRGCની નેવીએ કહ્યું કે આ કાર્યવાહી ત્રણ ઈરાની ઓઈલ ટેન્કરો પર થયેલા અમેરિકી હુમલાના જવાબમાં કરવામાં આવી હતી.