નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) ને મોટો રાજકીય ફટકો પડ્યો છે. પાર્ટીના અગ્રણી ચેહરા અને મુખ્ય રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કડે આજે આપ સાથેનો છેડો ફાડીને વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કરી લીધો છે. દિલ્હી સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે વરિષ્ઠ નેતા રાજીવ શુક્લા, દિલ્હી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ દેવેન્દ્ર યાદવ અને સાંસદ પવન ખેડાએ પ્રિયંકા કક્કડને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા.
‘આપ’ પોતાના મૂળ મૂલ્યોમાંથી ભટકી હોવાનો આક્ષેપ કર્યો
કોંગ્રેસનું સભ્યપદ ગ્રહણ કર્યા બાદ પત્રકારો સાથે વાતચીતમાં પ્રિયંકા કક્કડે પોતાની જૂની પાર્ટી આપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, ‘આમ આદમી પાર્ટી જે સિદ્ધાંતો અને વિચારધારા સાથે શરૂ થઈ હતી, તેમાંથી હવે સંપૂર્ણપણે ભટકી ચૂકી છે. શરૂઆતમાં કહેવામાં આવતું હતું કે આપના નેતાઓ ગાડી કે બંગલા નહીં લે, પરંતુ હવે ખાનગી મુસાફરીઓ માટે હેલિકોપ્ટરનો ઉપયોગ થઈ રહ્યો છે. જે બાબતોનો બચાવ શક્ય જ નથી, તેનો બચાવ હું ક્યાં સુધી કરી શકું?’. આ સાથે વધુમાં કહ્યું કે, ‘આપ’ હવે અનુભવી અને સક્ષમ નેતાઓને જાળવી રાખવામાં નિષ્ફળ રહી છે. બૂથ લેવલનું કામ પણ ન કરનારા નવા લોકોને પંજાબ જેવા રાજ્યોમાં મોટા હોદ્દા, બંગલા અને સરકારી ગાડીઓ આપવામાં આવી રહી છે.
પ્રિયંકા કક્કડે રાહુલ ગાંધીના ભરપૂર વખાણ કર્યાં
કોંગ્રેસમાં જોડાવાના કારણ વિશે બોલતા પ્રિયંકા કક્કડે કહ્યું કે, ‘ભાજપ સામે મજબૂતીથી લડી શકે તેવી એકમાત્ર આશા મને રાહુલ ગાંધીમાં દેખાઈ છે. રાહુલ ગાંધી એવા નેતા છે જે પોતાના સિદ્ધાંતો માટે અડગ રહે છે. આખી સરકારી મશીનરીએ તેમને દબાવવાનો અને નીચા પાડવાનો પ્રયાસ કર્યો, તેમ છતાં તેઓ ક્યારેય ઝૂક્યા નહીં. કોંગ્રેસમાં એક પ્રામાણિક આત્મા છે અને મને કોઈ પદનો મોહ નથી, પાર્ટી મને જે પણ જવાબદારી સોંપશે તે હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ’
VIDEO | Delhi: AAP national spokesperson Priyanka Kakkar joins Congress, says, "If there is one leader who is not afraid to promote his ideas, it is Rahul Gandhi. I observed that he is the only leader who has not shed tears for the cameras. He is the only leader today who has not… pic.twitter.com/UH5ZVljfD1
— Press Trust of India (@PTI_News) October 3, 2026
આમ આદમી પાર્ટી માટે મોટું નુકસાન
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રિયંકા કક્કડ આપના એક મુખ્ય રાષ્ટ્રીય ચહેરા તરીકે જાણીતા હતા. 30 સપ્ટેમ્બર સુધી તેઓ વિવિધ નેશનલ ન્યૂઝ ચેનલોની ટીવી ડિબેટમાં આમ આદમી પાર્ટીનો મજબૂત પક્ષ મુકતા નજરે પડતા હતા. છેલ્લા બે દિવસથી તેઓ ડિબેટથી દૂર રહ્યા હતા અને શનિવારે અચાનક કોંગ્રેસમાં જોડાતા આપ છાવણીમાં મોટી હલચલ મચી ગઈ છે. તેઓ કોંગ્રેસમાં સામેલ થયાં તેના કારણે અત્યારે આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ વધી શકે છે.